પ્રતિબંધિત ચાઇનિઝ દોરી વેચતો આરોપી ઝડપાયો
ચાઇનિઝ દોરીની ૩૦ રીલ કબજે લેતી પોલીસ
વડોદરા,ડભોઇ વેગા ચોકડી પાસે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણ નજીક આવતા જ બજારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ શરૃ થઇ જતું હોય છે. ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકનું ગળું કપાઇ જવાથી મોત પણ થતું હોય છે. જેથી, ચાઇનિઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ બાબતે સતત ચેકિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમને માહિતી મળી હતી કે, ડભોઇ વેગા ચોકડી પાસે પાયલ ગેસ્ટ હાઉસની પાછળ રૃકમણી કોમ્પલેક્સ પાસે ખુલ્લી જગ્યામાં ચાઇનિઝ દોરીનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી સચિન અરવિંદભાઇ તડવી (રહે. નવાપુરા, ડભોઇ ) ચાઇનિઝ દોરીની ૩૦ રીલ કિંમત રૃપિયા ૯ હજાર સાથે ઝડપાઇ ગયો હતો.