મોબાઈલ ઝૂંટવી જનાર આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારાઈ
ચાર વર્ષ અગાઉ ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે
ફૂટપાથ ઉપર ચાલતા જનાર રાહદારીને નિશાન બનાવ્યા હતા : પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ઘ-૨ સર્કલ પાસે ચાર વર્ષ અગાઉ ફૂટપાથ ઉપર ચાલતા જનાર રાહદારીને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી જનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને સાત વર્ષની સાદી કેદની સજા અને ૨૫૦૦૦ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલઝડપની
ઘટનાઓ વધી રહી છે ત્યારે ચાર વર્ષ અગાઉ ગાંધીનગર શહેરના ઘ-૨ પાસે થયેલી ચીલઝડપના
ગુનામાં ગાંધીનગર કોર્ટે આરોપીને સજા ફટકારી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧
ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઘ-૨ પાસે ફૂટપાથ ઉપર રાહદારી ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન
એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને તેમના હાથમાંથી પર્સ તફડાવી જવા પ્રયાસ કર્યોે
હતો. આ દરમિયાન તેઓ નીચે પડી ગયા હતા અને તકનો લાભ લઈને યુવાને તેમના હાથમાં રહેલો
મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જોકે આ સંદર્ભે ગુનો દાખલ થયા બાદ આરોપીને ઝડપી લેવામાં
આવ્યો હતો અને તેની પાસેથી મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ
એચ.આઈ ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગ્નેશ જોષી દ્વારા કોર્ટમાં
પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ અન્ય સાક્ષીઓની જુબાની પણ લેવામાં
આવી હતી. જેથી આરોપીને કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા કરવા માટે માગણી કરવામાં
આવી હતી. જેના પગલે કોર્ટ દ્વારા આરોપી મેહુલ બાબુભાઈ દંતાણી રહે. સેક્ટર ૭-ડી
કાચા છાપરા મૂળ અંબાપુર ગામને સાત વર્ષની સાદી કેદની સજા અને ૨૫૦૦૦ રૃપિયાનો દંડ
ફટકારવામાં આવ્યો હતો.