રેલવેના બોગસ સીઝન પાસના ગુનામાં પાલઘરના આરોપીને બે વર્ષની કેદ
વિકલાંગ આરોપીની પ્રોબેશનની માંગ નકારી કોર્ટે કહ્યું, બોગસ દસ્તાવેજના કેસમાં તેમ કરવાથી સમાજમાં ખોટો મેસેજ જશે
સુરત
વિકલાંગ આરોપીની પ્રોબેશનની માંગ નકારી કોર્ટે કહ્યું, બોગસ દસ્તાવેજના કેસમાં તેમ કરવાથી સમાજમાં ખોટો મેસેજ જશે
સાત વર્ષ પહેલાં કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસના કોચ નં.એસ-૬માં રેલ્વેના બોગસ સીઝન પાસ સાથે ટીટીના હાથે ઝડપાયેલા આરોપીને આજે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ(રેલ્વે)પંકજ રાઠોડે ઈપીકો-471 ના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની કેદ તથા ઈપીકો-465,467,468ના ગુનામા નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ઈસ્ટમાં સત્યમનગર ખાતે રહેતા આરોપી હિતેશ લાલજી કકાણી તા.18-3-17ના રોજ કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસના કોચ નં.એસ-6માં ભીલાડ સ્ટેશન પસાર થયા બાદ બોગસ સીઝન ટીકીટ સાથે ટીટીના હાથે ઝડપાતા ફરિયાદી કાશીનાથ બેડસેએ રેલવે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. સાત વર્ષ જુના પેન્ડિંગ કેસની કાર્યવાહીમાં બચાવપક્ષે આરોપી પાસેથી પાસ કબજે કરવામાં આવ્યો ન હોવાનું તથા ફરિયાદીને રેલ્વે એક્ટની કલમ-26-એ મુજબ નોટીફિકેશનથી સત્તા અપાઇ નથી, ફરિયાદીને ગુજરાતી આવડતું નથી ફરિયાદ બીજા કોઇએ લખી છે. તેથી ખોટી ફરિયાદ કરવામાં આવી હોય આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવવા માંગણી કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી માર્ટીન પરમારે કુલ 12 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે, આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવીને સાચા માસીક પાસ તરીકે ઉપયોગ કરીને નાણાંકીય લાભ મેળવ્યો હોવાનું પુરવાર થયું છે.
સુનાવણી બાદ કોર્ટે આરોપીને ઈપીકો-471ના ગુનામાં દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી વિકલાંગ, નાની વયના તથા કુટુંબની જવાબદારી તેના પર હોઈ સજામાં પ્રોબેશનનો લાભ આપવા માંગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી જણાવ્યું હતું કે આરોપીએ ખોટો દસ્તાવેજ બનાવીને સાચા તરીકે ઉપયોગ કર્યો હોઈ આરોપીનો ગુનો સમાજને અસર કરતો હોઈ પ્રોબેશનનો લાભ આપવાથી ખોટો મેસેજ જાય તેમ છે.