યુવાનની હત્યાનો આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર, પોલીસે 'સરઘસ' કાઢયું
બે દિવસ પહેલાં કોઠારીયા રોડ પર નજીવી બાબતે
મૃતક કોમ્પ્લેક્ષ નીચે ઉભો રહી ફોન પર ગાળાગાળી કરતાં ઝઘડો
થયાનો આરોપીનો બચાવ
રાજકોટ : આનંદનગર કોલોની કવાર્ટરની પાછળ આવેલા ગીતાંજલી પાર્ક-ર શેરી નં.૭માં રહેતા અને કોઠારીયા ચોકડી પાસે રામનગર શેરી નં.૧માં હાર્ડવેરના હેન્ડલ અને પાર્ટસ બનાવવાનું કારખાનું સંભાળતા હાર્મિસ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ.ર૮)ની ગત શનિવારે રાત્રે નજીવી બાબતે કોઠારીયા મેઈન રોડ પર ખોડિયાર ટી સ્ટોલ પાસે છરીના ચાર ઘા ઝીંકી હત્યા નિપજાવાના કેસમાં આરોપી દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી (ઉ.વ.૩૬, રહે. રણુંજાનગર શેરી નં.૯, કોઠારીયા મેઈન રોડ)ને ગઈકાલે ભક્તિનગર પોલીસે ઝડપી લીધા બાદ આજે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં પ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
તે પહેલાં ભક્તિનગર પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું
રિ-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. જેને સરઘસ તરીકે પણ ઓળખાવાય છે. જે માટે આરોપીને
પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને કઈ રીતે
ઘટનાને અંજામ આપ્યો તેની માહિતી મેળવી હતી. આ વખતે આરોપીએ ત્યાં ઉપસ્થિત ટોળા
સમક્ષ હાથ જોડીને મારી ભૂલ થઈ ગઈ તેમ કહી માફી પણ માંગી હતી.
આરોપીએ પુછપરછમાં એવી કેફિયત આપી છે કે થોડા સમય
પહેલા તેણે જયાં હત્યાં થઈ તે કોમ્પલેક્ષનાં બીજા માળે મંડળી શરૃ કરી હતી.
જયાં એક તરૃણી ટાઈપિંગ માટે આવતી હતી. થોડા દિવસો પહેલા તે તરૃણી નોકરીએ આવી
ત્યારે કોમ્પ્લેક્ષ નીચે ઉભેલો મૃતક ફોન ઉપર કોઈની સાથે ગાળાગાળી કરતો હતો. જેથી
તે તરૃણીએ આ વાત તેને કરતાં તેણે મૃતકને ગાળો નહીં બોલવા સમજાવટ કરી હતી.
ગત શનિવારે રાત્રે મૃતકનો ભાઈ કોમ્પ્લેક્ષ નીચે ઉભો હતો
ત્યારે તેની સાથે ત્યાં ઉભા રહેવા બાબતે
ગાળાગાળી થઈ હતી. જેથી મૃતકના ભાઈએ બીજાને બોલાવવા કોલ કરવાનું શરૃ કરતાં માથાકૂટ થશે
તેવો ડર લાગતાં ઓફિસમાં જઈ છરી લઈ આવ્યો હતો. એવામાં મૃતક ત્યાં આવી પહોંચતાં ઝઘડા
અને ગાળાગાળી બાદ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ પછી કચ્છ તરફ ભાગી ગયો હતો.
ત્યાંથી પરત આવતા ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી લાંબો ગુનાઈત
ઈતિહાસ ધરાવે છે. તેના વિરૃધ્ધ અત્યાર સુધીમાં ખુનની કોશિષના ર, મારામારી, દારૃ, વ્યાજખોરી, આર્મ્સ એકટ, ત્રાસ આપવા
સહિતના ૧પ જેટલા ગુના નોંધાયેલા છે.