જર્મનીથી પંજાબમાં ઓપરેટ થતી જીવણ ફૌજી ગેંગનો ખંડણી અને ફાયરિંગનો આરોપી વડોદરામાં ઝડપાયો
Vadodara Crime : પંજાબમાં જર્મનીથી ઓપરેટ થતી જીવણ ફૌજી ગેંગના ખંડણી અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ સાગરીતને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
પંજાબમાં ભયનો માહોલ સર્જનાર જીવણ ફોજી ગેંગ જર્મનીથી કામ કરતી હોવાની વિગતો ખુલ્લી હતી. પંજાબમાં થતા બોમ્બ બ્લાસ્ટમાં આ ગેંગની સંડોવણી પણ ચર્ચામાં આવી હતી. જેની ચોક્કસ વિગતો વડોદરા પોલીસ એકત્રિત કરી રહી છે.
દરમિયાનમાં આ ગેંગ સાથે કાર્યરત એક સાગરિત પંજાબના બટાલા ખાતેના ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને ફાયરિંગના બનાવમાં વોન્ટેડ હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. જે આરોપી વડોદરામાં હોવાની જાણ થતા ડીસીપી ઝોન-2 ના સ્કવોડે ટેકનિકલ સર્વેન્સને આધારે શોધખોળ કરી હતી.
આ આરોપી ગોરવા રોડના ઇન ઓર્બીટ મોલમાં હોવાની વિગતો મળતા પોલીસે મોલમાં તપાસ કરી મરીન સિક્યુરિટીના યુનિફોર્મમાં શોપર્સ સ્ટોપ નામના સ્ટોર પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેનું નામ સુનિલ ઉર્ફે લભ્ભા બાજ મશીહ (શાહપુર જાજન, ડેરા બાબા નાનક તાલુકો, ગુરદાસપુર જિલ્લો, પંજાબ) હોવાનું ખુલ્યું હતું.
પોલીસ દ્વારા વડોદરા સાથેના કનેક્શન બાબતે તેમજ અન્ય પ્રવૃત્તિઓ બાબતે તેની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે.