સેલવાસના આંબોલીમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
Silvassa District Court : સેલવાસના આબોલી ગામે રહેતા વૃદ્ધની વર્ષ 2021માં કરાયેલી ઘાતકી હત્યા કેસમાં સેલવાસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 5000 નો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. જયારે દંડની રકમ નહીં ભરાય તો વધુ ત્રણ માસની કેદની સજાની જોગવાઈ કરાઈ છે.
કેસની વિગત એવી છે કે સેલવાસના આંબોલી ગામે રહેતા મહાદુ ચૈતા બારાત અને પાડોશમાં રહેતા સુરાલી ઉર્ફે મુરલી ઝીનકન યાદવ વચ્ચે સમયાંતરે બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થતો હતો. ગત તા. 4-2-2021ના રોજ મહાદુ અને સુરાલી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ઉગ્ર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સુરાલીએ ચપ્પુ વડે મહાદુના છાતિના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. જો કે ગંભીર રીતે ઘાયલ મહાદુનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે સેલવાસ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરાલી યાદવની ધરપકડ કરી હતી. સેલવાસ પોલીસે આરોપી સુરાલી યાદવ સામે સેલવાસ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોરધન પૂરોહિતે સાક્ષી સહિત અનેક લોકોની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલ કરી હતી. કોર્ટના જજ એસ.એસ.સાપ્તનેકરે આરોપી સુરાલી યાદવને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 5000નો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જયારે આરોપી દંડની રકમ નહીં ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાની જોગવાઈ કરાઈ છે.