જામનગર નજીક નાની ખાવડીમાં યુવાનની હત્યા પ્રકરણમાં પકડાયેલા આરોપીને રિમાન્ડ પર લીધા બાદ જેલ હવાલે કરાયો
Jamnagar Crime : જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. જે હત્યારા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બલભદ્રસિંહ જાડેજા નામના 21 વર્ષના રાજપૂત યુવાન પર તેજ ગામના જનક્સિંહ ઝાલા નામના શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી જે ને પોલીસે ઝડપી લીધો હતો. અને આદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. પોલીસે તેની પાસેથી હત્યામાં વપરાયેલી છરી કબજે કરી હતી.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પોતાની પત્નીને બલભદ્રસિંહ પરેશાન કરતો હોવાથી ખુન્નસ ચડી જતાં બનાવના સમયે પોતે તેને સમજાવવા ગયો હતો. પરંતુ ત્યાં ઉગ્રવાતાવરણ બની ગયું હતું, અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં પોતે બચવા માટે આખરે છરી વડે ગળું કાપી નાખ્યું હતું. પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, ત્યાં તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે.