પૈસાની તકરારના મુદ્દે પત્નીની હત્યા કરનાર આરોપી પતિને આજીવન કેદ

આરોપીએ મરનારની નાની બહેન સાથે પણ લગ્ન કર્યા હતાઃ ફરિયાદપક્ષે 29 સાક્ષી તથા 37 પુરાવા રજુ કર્યા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
પૈસાની તકરારના મુદ્દે પત્નીની હત્યા કરનાર આરોપી પતિને આજીવન કેદ 1 - image


સુરત

આરોપીએ મરનારની નાની બહેન સાથે પણ લગ્ન કર્યા હતાઃ ફરિયાદપક્ષે 29 સાક્ષી તથા 37 પુરાવા રજુ કર્યા      

છ વર્ષ પહેલાં ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં મજુરી કામે આવેલા પતિ-પત્ની વચ્ચે પૈસાની મુદ્દે થયેલી તકરારમાં પત્નીને બોથડ પદાર્થ મારીને હત્યા કરી ગામમાં લાશને મુકીને નાસી જનાર આરોપી પતિને આજે હત્યાના ગુનામાં દોષી ઠેરવી મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ આરોપીને આજીવન કેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારી છે.

મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ભરાડા રેલ્વા ગામના વતની 32 વર્ષીય સુનિલ ગંભીર ભાઈ વસાવાના લગ્ન ફરિયાદી જાનીયા દેવજી વસાવાની પુત્રી અરૃણાબેન સાથે થયા હતા.જેમને ચાર સંતાન હોઈ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે જય રણછોડ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે હરેક્રિષ્ના ટેક્ષટાઈલ્સ લુમ્સના ખાતામાં રૃમમાં રહીને મજુરી કામ કરતા હતા.આરોપી સુનિલ વસાવાએ ફરિયાદીની નાની પુત્રી પ્રિયંકા સાથે પણ લગ્ન કરીને તેને પોતાના વતનના ગામમાં રાખી હતી.જે દરમિયાન ગઈ તા.11-7-18ના રોજ આરોપી સુનિલ તથા પહેલી પત્ની અરૃણાબેન વચ્ચે પૈસાની મુદ્દે તકરાર થવા પામી હતી.જેથી ઉશ્કેરાઈને પતિએ લાકડાના ફટકા મારીને પત્ની અરૃણાને માર મારતા ગંભીર ઈજાથી તેનું મોત નિપજ્યું હતુ.જેથી આરોપીએ પત્નીની લાશ ટેમ્પામાં નાખીને પોતાના વતનમાં ગામમાં લાશને મુકીને નાસી ગયો હતો.

અલબત્ત ફરિયાદીની બીજી પુત્રી પ્રિયંકાએ મરનાર બહેન અરૃણાના મોત અંગે ફરિયાદી પિતાને જાણ કરી હતી.જેથી પોતાની પુત્રી અરૃણાને ઢોર મારીને હત્યા કરવા અંગે આરોપી જમાઈ સુનિલ વસાવા વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં ફરિયાદી સસરાએ ઈપીકો-302ની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ઓલપાડ પોલીસે જેલભેગા કરેલા આરોપી  વિરુધ્ધ નજરે જોનાર સાક્ષીના અભાવે સાંયોગિક પુરાવા આધારિત કેસને ફરિયાદપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ કુલ 29 સાક્ષી તથા 37 પુરાવા રજુ કર્યા હતા. બનાવ સમયે રૃમમાં મરણ જનાર તથા આરોપી સિવાય કોઈ ત્રીજી વ્યકિત હાજર નહોતી.આરોપીની ગુના બાદ   મરનારની લાશને ટેમ્પોમાં નાખીને ગામમાં લઈ જઈને નાસી જવાની ગુનાઈત વર્તણુંક તથા સીસીટીવી ફુટેજ,પંચનામાના સાક્ષી,મહત્વના સાક્ષી અને તબીબી સાક્ષીઓના પુરાવાને લક્ષમાં લઈને કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે  આરોપીને  આજીવન કેદ તથા 10 હજારની દંડની સજા ફટકારી હતી.


suratcourt

Google NewsGoogle News