દુષ્કર્મના આરોપીએ કેશોદ નજીકની હોટલનાં શૌચાલયમાં એસિડ પી લીધું
એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ થઈ હતી
એલસીબીની ટીમ અમદાવાદથી પકડી વેરાવળ લઈ જતી હતી ત્યારની ઘટના, રાજકોટ લઈ જતી વખતે દમ તોડયો
વેરાવળ : વેરાવળ તાલુકાના ડારી ગામના યુવક સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આ યુવકને એલસીબી પકડી વેરાવળ લઈ જતી હતી ત્યારે તેને ટોયલેટ જવાનું કહેતા કેશોદ નજીકની હોટલ પર વાહન ઉભું રાખવામાં આવ્યું હતું. જ્યાં આરોપીએ શૌચાલયમાં જઈ એસિડ પી લીધુ હતું. તેને સારવાર માટે રાજકોટ રિફર કરાયો હતો પરંતુ તેનું રસ્તામાં જ મોત થયું હતું.
આ અંગેની વધુ વિગત મુજબ, વેરાવળ તાલુકાના ડારીમાં રહેતા અમર હાજી જીકાણી સામે એક
યુવતીએ દુષ્કર્મ તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જેમાં અમર જીકાણી ફરાર હતો.
ગીર-સોમનાથ એલસીબીની ટીમે તપાસ દરમ્યાન અમર જીકાણીને અમદાવાદથી પકડી લીધો હતો. આજે
ગીર-સોમનાથ એલસીબીની ટીમ આ આરોપીને વેરાવળ લઈ જઈ રહી હતી ત્યારે કેશોદ-જૂનાગઢ રોડ
પર અમર જીકાણીએ ટોયલેટ જવા કહ્યું હતું. એલસીબીની ટીમે કેશોદ નજીક આવેલી હોટલ પર
વાહન ઉભું રાખ્યું હતું. જ્યાં અમર જીકાણીએ હોટલના ટોયલેટમાં જઈ ત્યાં રહેલું એસિડ
ગટગટાવી લીધુ હતું. આ અંગે જાણ થતા પોલીસની ટીમે તેને કેશોદ સારવારમાં ખસેડયો હતો.
જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ રિફર કરાયો હતો પરંતુ તેનું
રસ્તામાં જ મોત થયાનું ગીર-સોમનાથ એલસીબીએ જણાવ્યું હતું. હાલ આ અંગે પોલીસે વધુ
કાર્યવાહી હાથ ધરી છે.