મનિષ સોલંકી પરિવારના સામુહિક આપઘાત-હત્યા કેસમાં આરોપીના જામીન નકારાયા
હાર્ડવેરના ધંધાના ભાગીદાર ઇન્દરપાલ શર્માએ પ્રથમ દર્શનીય કેસના અભાવે પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટની સંભાવનાને ધ્યાને લઇ જામીન માંગ્યા હતા
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારનો ચકચારી કેસ
સુરત
હાર્ડવેરના ધંધાના ભાગીદાર ઇન્દરપાલ શર્માએ પ્રથમ દર્શનીય કેસના અભાવે પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટની સંભાવનાને ધ્યાને લઇ જામીન માંગ્યા હતા
સુરતના ચકચારી મનીષ સોલંકી પરિવારના સાત સભ્યોની આત્મહત્યા કમ મર્ડર કેસમાં અડાજણ પોલીસે જેલભેગા કરેલા મરનારના બિઝનેસ પાર્ટનર આરોપી ઈન્દરપાલ શર્માની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈને નકારી કાઢી છે.
મૂળ રાજકોટના જસદણ તાલુકાના ઢેઢુકી ગામના વતની ફરિયાદી ઘનશ્યામ દામજી પરમાર(રે.જલારામ સોસાયટી, ગણેશ સીસોદરા ગામ તા.જિ.નવસારી)એ પોતાના મૃત્તક સાળા મનીષ ઉર્ફે શાંતુભાઈ કનુભાઈ સોલંકીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સુધી ત્રાસ આપીને સોલંકી પરિવારના સભ્યોની સામુહિત આત્મહત્યા કમ મર્ડરના ગુના બદલ મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરન સુરતગઢના વતની 42 વર્ષીય આરોપી ઈન્દરપાલ પુર્ણારામ શર્મા(રે.એ-203, રિધ્ધી-સિધ્ધિ એપાર્ટમેન્ટ, અલથાણ ભટાર) વિરુધ્ધ અડાજણ પોલીસમાં ઈપીકો-306ની ફરિયાદ નોંધાવી હતી.
બહુચર્ચિત એવા સુરતના મનીષ સોલંકી પરિવારના સાત સભ્યોની આત્મહત્યા કમ મર્ડર કેસમાં આરોપી ઈન્દરપાલ શર્મા મરનાર મનીષ સોલંકીના નિધી પ્લાયવુડના નામે હાર્ડવેરના ધંધામાં ભાગીદાર હતા. આરોપીએ મરનાર પાસે 20 લાખની ઉઘરાણી કરવા તથા દિવાળી પહેલા પેમેન્ટ કરી દેવા માટે લોન લેવાનું પણ દબાણ કરતાં મનીષ સોલંકીએ આત્મઘાતી પગલું ભરવા સાથે પરિવારના સભ્યોને પણ ગળેફાંસો આપીને તથા ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ કેસમાં અડાજણ પોલીસે મરનારની સુસાઈડ નોટના આધારે આરોપી ઈન્દરપાલ શર્માની ગઈ તા.9મી નવેમ્બરે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ કસ્ટડીમાં સોંપ્યો હતો. હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસના અભાવે ગુનાઈત ઈતિહાસ ન હોઈ વિલંબિત ટ્રાયલના મુદ્દે પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટની સંભાવાનાને લક્ષમાં લઈને જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. મરનારની સુસાઈડ નોટ તથા ફરિયાદમાં આરોપીનું નામ છે. હાલમાં તપાસ નાજુક તબક્કામાં હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.જેને માન્ય રાખી કોર્ટે આરોપીના જામીનની માંગ નકારી કાઢી છે.