સુડા આવાસમાં ફ્લેટના નામે રૃા.3 લાખની ઠગાઇમાં આરોપીના આગોતરા જામીન નકારાયા
સંદિપ મૈસુરીયાએ અન્ય આરોપીઓના મેળાપીપણામાં સક્રીય ભૂમિકા ભજવી હોવાથી ક્સ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૃરી
સુરત
સંદિપ મૈસુરીયાએ અન્ય આરોપીઓના મેળાપીપણામાં સક્રીય ભૂમિકા ભજવી હોવાથી ક્સ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૃરી
સુડા આવાસમાં ફ્લેટ ખરીદવાના નામે ફરિયાદી પાસેથી 3 લાખ મેળવી ગુનાઈત ઠગાઈનો કારસો રચવાના કેસમાં આરોપી પિતા-પુત્રએ પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે નકારી કાઢી છે.
સુડા આવાસમાં ફ્લેટ અપાવવાના નામે ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી નાણાં મેળવી ગુનાઈત ઠગાઈનો કારસો રચવા અંગે સુડા ભવનના આરોપી પટાવાળા સંદિપ ઈશ્વર મૈસુરીયા તેના પિતા ઈશ્વર મોહન મૈસુરીયા(રે.ગીતાંજલિ મહોલ્લો,આભવા)એ વગેરે વિરુધ્ધ વેસુ પોલીસમાં ગુનાઈત ઠગાઈના કારસા બદલ ફરિયાદ નોંધાઈ હતી.જે મુજબ આરોપી પિતા-પુત્રએ અન્ય આરોપીના મેળા પિપણામાં ફરિયાદી પાસેથી 3 લાખ મેળવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.
આ કેસમાં વેસુ પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી સંદિપ ઈશ્વર મૈસુરીયા તથા તેના પિતા ઈશ્વરભાઈ મૈસુરીયાએ આગોતરા જામીનની માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે 33 માસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા તથા આરોપી વિક્રમ દવે તથા ફરિયાદી વચ્ચે નાણાંકીય તકરાર હોવાનો બચાવ લીધો હતો.બચાવપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપી સંદિપ મૈસુરીયાએ ફરિયાદીની અન્ય આરોપી સાથે મુલાકાત કરાવી હોવાનો આક્ષેપ સિવાય ગુનામાં કોઈ ભુમિકા ભજવી નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આરોપી સંદિપ મૈસુરીયાએ ફરિયાદી પાસેથી સુડા આવાસમાં ફ્લેટ લેવા 3 લાખ સ્વીકાર્યા છે.જેથી આરોપીઓની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર પોલીસ તપાસ અટકી પડે તેમ છે.આગોતરા જામીન આપવાથી આરોપીઓને કાયદાનો ડર રહેશે નહીં તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરવાની કે આવા ગુના આચરે તેવી સંભાવના છે.