સુરતમાં ગાળ આપીને બાઈક હટાવવાનું કહેનારા વ્યક્તિની રીઢા ગુનેગારે કરી હત્યા, છરીના ઘા ઝીંક્યા
Surat Crime: સુરતના ઉધના રેલવે સ્ટેશન નજીક મહાવીર માર્કેટનાં પાર્કિંગ નજીક બાઈક હટાવવા બાબતે ગાળો આપનાર યુવાનની રીઢા ગુનેગારે છરી ઘા મારી હત્યા કરી હતી. હવે ઉધના પોલીસે આરોપી નીરજની અટકાયત કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સુરતના ડીંડોલી મધુરમ સર્કલ નજીક રહેતા 43 વર્ષીય સુભાષ ખટીકની હત્યા કરી દેવાઈ છે. સોમવારે (નવમી ડિસેમ્બર) સાંજે 5 વાગ્યાના અરસામાં સુભાષ ખટીક બાઈક લઈ ઉધના રેલવે સ્ટેશન નજીક મહાવીર માર્કેટ સ્થિત ભાઈની ઈલેક્ટ્રોનિક્સની દુકાને ગયા હતા. ત્યાં પાર્કિંગમાં જવાના રસ્તા ઉપર એક બાઈક પાર્ક કરાયેલી હતી. તેમણે ત્યાં ઉભેલા યુવાનને ગાળ આપી બાઈક હટાવવા કહ્યું હતું. આ દરમિયાન તે યુવાને બાઈક મારી નથી તેમ કહ્યું હતું. છતાં સુભાષ ખટીકે તેને ફરી ગાળ આપી હતી અને હમણાં તને બતાવ છું તેમ કહી અંદર જઈ બાઈક પાર્ક કરી પરત આવ્યા હતા.
ત્યારબાદ તેમણે યુવાન સાથે ઝઘડો કરતા યુવાને પોતાની પાસેની છરી સુભાષને મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી. હુમલો કર્યા બાદ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ સુભાષને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ઉધના પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી. પથી હત્યાનો ગુનો નોંધી હુમલો કરી ફરાર થયેલા રીઢા ગુનેગાર ડીંડોલીના નીરજની અટકાયત કરી હતી.