વારસિયા રોડ પર મહિલાના ગળામાંથી અછોડો તોડીને આરોપીઓ ફરાર
પોલીસે રોડ પર ફિટ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
વડોદરા,વારસિયા વિસ્તારમાં રાતે ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. વારસિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
હરણી વારસિયા રીંગ રોડ પર સવાદ ક્વાટર્સ પાસે અક્ષરધામ સોસાયટીમાં રહેતા ૭૬ વર્ષના પ્રેમલતાબેન ચંદ્રવદનભાઇ શાહ ગઇકાલે સાંજે પાંચ વાગ્યેથી ઘરેથી ચાલવા નીકળ્યા હતા. તેમના ઘરથી થોડે દૂર એક મોપેડ પર આવેલા બે આરોપીઓએ તેમની નજીક બાઇક ઉભી રાખી હતી. મોપેડની પાછળ બેઠેલા આરોપીએ પ્રેમલતાબેનને પૂછ્યું કે, ગાર્ડન ક્યાં છે ? વૃદ્ધા ગાર્ડન બતાવવા માટે પાછળ ફર્યા હતા. તે દરમિયાન મોપેડની પાછળ બેસેલા આરોપીએ તેમના ગળામાંથી સોનાનો અછોડો તોડી લીધો હતો. આરોપીઓ ભાગવા જતા હતા. તે સમયે પ્રેમલતાબેને મોપેડને પાછળથી પકડી લીધી હતી. આરોપીઓએ મોપેડ ભગાવતા વૃદ્ધા નીચે રોડ પર પટકાતા ઇજા થઇ હતી.આરોપીઓ સોનાની ચેન ચાંલ્લાવાળી ડિઝાઇનની ૧૨ ગ્રામ વજનની કિંમત રૃપિયા ૨૫ હજારની તોડીને ભાગી ગયા હતા.
બનાવ અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા પી.આઇ. એસ.એમ.વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે અછોડો તોડીને ભાગેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે નજીકમાં ફિટ થયેલા સીસીટીવી ફૂટેજની ચકાસણીના આધારે મોપેડનો નંબર મેળવવાની કવાયત હાથ ધરી છે.