કુકરમુંડામાં ગોડાઉનના હિસાબનીશની સ્ટોક સગેવગે કરી રૂ. 65.72 લાખની ઉચાપત
ગોંડલની વિજય કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીનો હિસાબનીશ સાથી કર્મચારીને શેરબજારમાં પૈસા હારી ગયો છું, જેથી મરી જાવ છું કહી ગાયબ
વ્યારા, રાજકોટ : તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ગોંડલના વેપારીની ભાગીદારી પેઢીના ગોડાઉનમાં ધંધાકીય અને નાણાંકીય દેખરેખ સહિતનું કામ સાંભળતા હિસાબનીશે તાલ, એરંડા, રોકડ મળી કુલ રૂ.૬૫.૭૨ લાખનો હિસાબ નહિં બતાવી ઉચાપત કરતા ભાગીદારી પેઢીના મેનેજરે તેની સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. ભાગી ગયેલા હિસાબનીશે મદદ માટે રાખેલા કર્ર્મચારીને શેરબજારમાં પૈસા હારી ગયો છું, જેથી મરી જાવ છું એમ ફોન પર જણાવ્યું હતુ.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની વિજય કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી દ્વારા તલ, કપાસ સહિતના માલને સ્ટોક કરી વેચાણ કરવા તાપી જિલ્લાના કુકરમુંડા જુના બસ સ્ટેન્ડ પાસે સુમુલ ડેરી સામે ભાડાના મકાનમાં ગોડાઉન રાખ્યું છે. જેમાં વેપાર તથા નાણાંકીય હિસાબ રાખવા માટે યશવંતભાઈ રઘુવીરભાઈ પટેલ (રહે.કુકરમુંડા, મૂળ રહે.બીછુવા, તા.તેંદુખેડા, જી.ભોરા નાસિદપુરા,મધ્યપ્રદેશ) ને રાખ્યો હતો. યશવંતે તેની સાથે મદદ માટે ગોડાઉન ભાડે આપનારના પુત્ર નિખિલ કનૈયાલાલ તંબોલીને રાખ્યો હતો. દરમિયાન ગત તા. 6 જૂનના રોજ ગોંડલથી ભાગીદારી પેઢીના મેનેજર દિવ્યેશભાઈ જયંતીભાઈ વેકરીયા (રહે.ગુંદાળા રોડ, શાંતિનગર, તા.ગોંડલ, જી.રાજકોટ)એ હિસાબ માટે યશવંત પટેલને અનેક વાર ફોન કર્યા હતા. પરંતુ ફોન નહિં ઉપાડતા મદદનીશ નિખિલ તંબોલીને ફોન કર્યો હતો. નિખિલે જણાવ્યું કે, યશવંતે તેને ફોન કરીને કહ્યું કે, શેરબજારમાં પૈસા હારી ગયો છું, જેથી મારી જાવ છું, શેઠ અને મેનેજરને મોઢું બતાવવા લાયક રહ્યો નથી. જેથી નિખિલે જે બનવાનું હતું તે બની ગયું, હું તને કોઈ રસ્તો કાઢી આપીશ એમ જણાવ્યું હતુ.
જે બાદ ભાગીદારી પેઢીના મેનેજરે કુકરમુંડા ખાતે હિસાબની ખરાઈ કરતા ત્રણ વર્ષ દરમિયાન રૂ. 59.13 લાખનો તલનો સ્ટોક, રૂ. 3.24 લાખનો એરેંડાનો સ્ટોક સગેવગે થયો હતો. અથવા તો કોઈને યશવંતે વેચી દીધો હતો. ઉપરાંત રૂ. 3 લાખનો હિસાબ બતાવ્યો ન હતો, રૂ. 35,000 ની રોકડ પુરાંત પણ તે લઇ ગયો હતો. જેથી યશવંતની શોધખોળ કરતા તે મધ્યપ્રદેશના સરનામે પણ નહિં મળતા, સોમવારે મેનેજર દિવ્યેશભાઈએ નિઝર પોલીસમાં યશવંતભાઈ પટેલ સામે કુલ રૂ. 65,72,360ની પેઢી સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ આપી હતી.