આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા
- આણંદ પાંચમાં એડિ.ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટનો ચુકાદો
- કિંમતી દવાઓ અન્ય એજન્સીને વેચી હતી : રૂા. 8.50 લાખનો ચેક રિટર્ન થતા કેસ કરાયો હતો
આણંદ ખાતે ઈલા મેડિકલ એજન્સીના વહીવટકર્તા વિરલકુમાર પંકજકુમાર મહેતા હોલસેલ મેડિસિન્સનો વેપાર કરે છે. જેમની ત્યાં દિગ્વીજય મનુભાઈ રાજ (ઉં.વ.૨૭, રહે. ગોહેલવગો, અડાસ, તા. આણંદ) ૧૧ વર્ષથી ડિલિવરી બોય કમ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. એજન્સીવાળી જગ્યાની ચાવીઓ પણ દિગ્વીજય રાજને આપેલી હતી. એજન્સીમાંથી કિંમતી દવાઓની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા તા. ૨૯-૭-૨૦૨૨ના રોજ દિગ્વીજયે રાતે એજન્સીની દુકાન ખોલી કેમેરા બંધ કરી દીધા હતા. બાદમાં કિંમતી દવાની કમ્પ્યુટરમાં વેસ્ટેજ તરીકે ખોટી એન્ટ્રી પાડી દવાઓ ચોરી ગયો હતો. દવાઓ માતરના સાગર મેડિસિનના માલિક ઈન્દ્રજીતસિંહ લાખાભાઈ સોઢાને બિલ વગર વેચી હોવાનું દિગ્વીજયે કબુલાતનામું તા. ૧-૮-૨૦૨૨ના રોજ લખી આપ્યું હતું. બાદમાં દવાઓની લેણી રકમનો રૂા. ૮.૫૦ લાખનો અને રૂા. ૪,૩૯,૫૦૦ના ચેક આપ્યા હતા. જેમાંથી રૂા. ૮.૫૦ લાખનો ચેક તા. ૨-૧૧-૨૦૨૨ના રોજ ફંડ ઈનસફિસિયન્ટના શેરા સાથે રિટર્ન થયો હતો. જે અંગે ચેક રિટર્નનો કેસ કરાયો હતો.
આ કેસ આણંદ પાંચમાં એડિ. ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ દેવેશ પદ્યુમ્નભાઈ પુંજાણીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિલ્વીજય મનુભાઈ રાજને તકસીરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ ફરિયાદીને વળતર પેટે રૂા. ૮.૫૦ લાખ ૩૦ દિવસમાં ચૂકવી આપવા અને જો તેમ ન થાય તો વધુ ૬ મહિનાની સાદી કેદની સજા ભોગવવા આદેશ કર્યો છે.