ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ થયો: તાંદલજાના વેપારીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવતા એકાઉન્ટ ફ્રીજ
દીકરીને ઉમરા જવાનું હોવાથી રોકડા રૂપિયા જોઇતા હોવાનું જણાવી ભેજાબાજે બે વેપારીના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પોતે 81 હજાર રોકડા લઇ લીધા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાંદલજા સનફાર્મા કંપનીની સામે રાબીયા પાર્કમાં રહેતાં મોહંમદસોહેલ આસિફઅલી સૈયદ તાંદલજા હીબા એવન્યુમાં સદફ કલેક્શન નામની કપડાની દુકાન ચલાવે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોધાવી જણાવ્યું છે કે, ગત 7 મી ઓક્ટોબરે બપોરે હું મારી દુકાન પર હાજર હતો. અમારી દુકાને અવાર - નવાર સામાન લેવા માટે આવતો વ્યક્તિ જેને હું જોયેથી ઓળખું છું. તે દોઢ વાગ્યે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારી દીકરીને ઉમરા જવાનું હોઇ મને રોકડા 41 હજાર જોઇએ છે. તેની સામે હું તમારા એકાઉન્ટમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું. આ વ્યક્તિ અવાર - નવાર મારી દુકાન પર આવતો હોઇ તેના પર ભરોસો રાખી મેં મારા એકાઉન્ટનું સ્કેનર આપ્યું હતું. સ્કેનરનો ફોટો પાડીને તેણે અન્ય કોઇ વ્યક્તિને મોકલ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું કે, મારા ઓળખીતા તમારા એકાઉન્ટમાં ૪૧ હજાર ટ્રાન્સફર કરશે. સાંજે તમે મને રોકડા 41 હજાર આપી દેજો. હું સાંજે રૂપિયા લેવા આવીશ. મારો મોબાઇલ નંબર લઇને તે જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મારા એકાઉન્ટમાં 41 હજાર રૂપિયા આવ્યા હતા.
રાતે સાડા નવ વાગ્યે તે વ્યક્તિએ મને કોલ આવતા મેં તેને કહ્યું કે, તાંદલજાની સ્ટેટ બેન્કના એ.ટી.એમ. પર આવીને તું રૂપિયા લઇ જા. અડધો કલાક પછી તે આવતા મેં તેને 40 હજાર ઉપાડીને આપ્યા હતા. બાકીના એક હજાર તમારી દુકાને આવીને લઇ જઇશ. તેવું કહીને તે જતો રહ્યો હતો. ત્રણ દિવસ પછી હું મારી દુકાનનો સામાન લેવા ગયો ત્યારે રૂપિયા ટ્રાન્સફર થયા નહતા. મેં બેકમાં જઇને તપાસ કરી તો જાણવા મળ્યું કે, મારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા હોવાથી મા રૂં એકાઉન્ટ ફ્રીઝ થઇ ગયું છે. આરોપીએ મારી પાસેથી 40 હજાર તથા મારા મિત્ર શાહનવાઝ રમજાનભાઇ બંજારાના એકાઉન્ટમાં પણ સાયબર ફ્રેાડના રૂપિયા નંખાવી છેતરપિંડી કરી હતી.