સોમનાથથી દ્વારકા જતા કર્ણાટકના પરિવારને નડ્યો અકસ્માત, 2ના મોત અને 7 ઇજાગ્રસ્ત
Accident on Porbandar-Dwaraka Highway: રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતના બનાવો વચ્ચે પોરબંદર-દ્વારકા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર બસ સોમનાથથી દ્વારકા જઇ રહી હતી ત્યારે કુછડી ગામ પાસે ટર્ન મારતી વખતે રસ્તા પર બંધ પડેલી એક ટ્રક સાથે ધડકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 7 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રદ્ધાળુઓ કર્ણાટકના વિજાપુર જિલ્લાના ચડચણ તાલુકાના છે. તેઓ કર્ણાટકથી આઠ દિવસના પ્રવાસે નીકળ્યા હતા. શિરડી દર્શન કર્યા બાદ તે સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાંથી દ્વારકા અને નાગેશ્વર દર્શન કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત નડ્યો હતો.