ડિવાઇડર સાથે અથડાતા બાઇક પરથી પડયો ઃ ઇનોવાની ટક્કરે યુવાનનું મોત
અકસ્માત બાદ ચાલક ઇનોવા લઇને ફરાર થઇ ગયો
વડોદરા, તા.26 પાદરા-વડોદરારોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાયા બાદ પટકાયેલા યુવાનને સામેથી પૂરપાટઝડપે આવતી ઇનોવાએ અડફેટમાં લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આવેલા સમીયાલા ગામની જૈમિની સોસાયટીમાં રહેતો આદીલ અબ્દુલ ઘાંચી (ઉ.વ.૨૨) જલાઉ લાકડાનો વેપાર કરતો હતો. ગઇકાલે સવારે તે ઘેરથી બાઇક લઇને ભાયલી રેલવે સ્ટેશન તરફ જતો હતો. પાદરા-અટલાદરારોડ પર તેની બાઇક ડિવાઇડર સાથે અથડાયા બાદ તે બાઇક પરથી ઉછળીને ડિવાઇડરની મધ્યમાં પડી ગયો હતો.
આ વખતે અટલાદરા તરફથી સ્પીડમાં આવતી એક ઇનોવાના ચાલકે આદીલને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ ઇનોવાનો ચાલક ગાડી લઇને ફરાર થઇ ગયો હતો. દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.