બાઇક સ્લીપ થઇ ખાડામાં ઝાડ સાથે અથડાતાં બે ટીનેજરના કરૃણ મોત
હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામનાં બંને ટીનેજરો રવાલ ગામે સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતાં
વડોદરા, તા.3 રવાલથી વાઘોડિયા વચ્ચેના રોડ પર એક બાઇક સ્લીપ થઇને રોડની નીચે ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં બે ટીનેજરના મોત નિપજ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે ભમ્મરીયા ખાતે રહેતો હાર્દિક માધવસિંહ ચૌહાણ (ઉ.વ.૧૬) વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ચૌલક્રિયાના પ્રસંગમાં ગઇકાલે આવ્યો હતો. બપોરે તે તેમજ ભાવિક ભુપતભાઇ ચૌહાણ (ઉ.વ.૧૩) બંને રવાલ ગામથી એક બાઇક લઇને નીકળી વાઘોડિયા તરફ જતા હતાં.
દરમિયાન રોડ પર બાઇક અચાનક સ્લીપ થતાં રોડની નીચે ઉતરી જઇ ઝાડ સાથે અથડાતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં જ્યારે એમ્બ્યૂલન્સને સ્થળ પર બોલાવતા હાર્દિકનું ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઇજાગ્રસ્ત ભાવિકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે રોનક ગણપતભાઇ ચૌહાણે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.