નડિયાદ અને નરસંડા ચોકડી પાસે અકસ્માત, પાંચને ઈજા
નડિયાદ નજીક અકસ્માતના બે બનાવ
એક યુવકની હાલત ગંભીર : પોલીસે બાઈક અને ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદમાં મોટી પાણીની ટાંકી પાસે રહેતા અંકિતભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટને બુધવારે સાંજે તેમના મિત્ર મુકેશ પ્રજાપતિ (રહે. વડોદરા) નો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું અમદાવાદ એરપોર્ટ જાઉં છું, નડિયાદ એક્સપ્રેસ નજીક આવી ગયો છું, તું મળવા આવ. જેથી અમિત બાઈક લઈને એક્સપ્રેસ-વે તરફ જતો હતો. ત્યારે રિંગરોડ પર આલ્ફા સ્કૂલ નજીક અન્ય બાઈક ચાલકે તેમને પાછળથી ટક્કર મારતા બંને બાઈક ચાલકો અને બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ અમદાવાદમાં અભ્યાસ કરતો પ્રિન્સ દિલીપભાઈ પાંડે અને તેનો મિત્ર યોગેશ વીરપાલ મહિપાલસિંગ (રહે. રામઘાટ, ઉત્તરપ્રદેશ) ટુવ્હીલર લઈને વડોદરા જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે નં.-૪૮ પર નરસંડા ચોકડી બ્રિજ ઉતરતા રેસ્ટોરન્ટ નજીક ટુવ્હીલરનું ટાયર ફાટતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા. જેમાં પ્રિન્સને માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યોગેશની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.