વડોદરા: મહાકાલથી દર્શન કરી પરત ફરતા જરોદ પાસે અકસ્માત, 4 ના મોત
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2022 બુધવાર
વડોદરા હાલોલ હાઇવે ઉપર જરોદ નજીક ઘટના સામે આવી છે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રાજસ્થાની પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે પાંચ શખ્સોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કારરસ્તાની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાં ધડાકાભેર ઘુસી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા હાલોલ હાઈવે ઉપરના જરોદ ગામ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરત પાર્સીંગની કાર હાલોલ થી વડોદરા તરફ પસાર થઈ રહી હતી. તે સમયે જરોદ ગામ નજીક કાર ચાલકે સેટરિંગ પર કાબુ ગુમાવતા કાર પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ હરિયાણા પાર્સીંગની ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર 2 મહિલા અને 1 પુરુષ અને આઠ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપઝ્યું હતું. જયારે કારમાં સવાર અન્ય ચાર લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી જયારે મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસ ની પ્રાથમિક તપાસમાં કારમાં સવાર પરિવાર રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યું છે