સુરત જિલ્લામાં અકસ્માતની બે ઘટના: બાળક સહિત 2ના મોત, 5 લોકોને અડફેટે લીધા
Road Accident in Surat : પ્રજાસત્તાક દિવસ સુરતવાસીઓ માટે લોહિયાણ બન્યો હતો. આજે સુરતના ધોરણ પારડી અને ડુમ્મસમાં અકસ્માત ઘટના બની હતી. જેમાં ધોરણ પારડી નજીક બાઇક પર જઇ રહેલા 3 લોકોને ડમ્પર ચાલકે અડફેટે લેતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. બીજી તરફ સુરતના ડુમસ વિસ્તારમાં ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકને અડફેટે લેતાં મોત નીપજ્યું હતું.
ડુમસમાં ટ્રેક્ટરની અડફેટે બાળકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રકાશભાઇ કતારા (મૂળ વતની જાંબુઆ, મધ્ય પ્રદેશ) પોતાની પત્ની અને બાળકો સાથે સુરતના ડુમસ વિસ્તારમાં મજૂરી અર્થે ગયા હતા. આ દરમિયાન તેઓ પોતાના મજૂરી કામમાં વ્યસ્ત હતા અને ત્રણ બાળકો ત્યાં રેતી ઉપર રમી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટરે બે વર્ષના દીકરાને અડેફેટે લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પારડીમાં ડમ્પરચાલકે અડફેટે લેતાં 1નુ મોત
સુરતના ધોરણ પારડી નજીક ઘલા પાટિયા પાસે બાઇક પર સવાર 3 લોકો ઘરેથી પીપોદરા ગામ તરફ કોઇ અંગત કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘલા પાટિયા પાસે રોડ ક્રોસ કરીને પસાર થતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતાં સંજયભાઈ ચૌધરી નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાતા આસપાસમાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પ્રગ્નેશભાઇ ચૌધરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડમ્પરચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.