સુરત જઇ રહેલી ટ્રાવેલ્સ સિદ્ધપુર નજીક ટ્રેલર પાછળ ઘૂસી, 2ના મોત, 17 મુસાફરો ઇજાગ્રસ્ત
Bus Accident Near Siddhapur: રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે મોડી રાત્રે રાજસ્થાનથી સુરત જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ સિદ્ધપુરના મક્તુપુર નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતાં બેના મોત નીપજ્યા છે, જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત
અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.