જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ
Jamnagar Accident : જામનગર નજીક ઠેબા બાયપાસથી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત એટલો જોરદાર હતો, કે ધડાકાની સાથે કારનું એક્સાઇડનું પડખું ચિરાયું હતું, જ્યારે બાઇકનો પણ ભૂકકો બોલી ગયો હતો. બાઈક ચાલક યુવાન બેશુદ્ધ થઈને માર્ગ પર ઢળી પડ્યો હતો, અને માર્ગ પર લોહીનું ખાબોચિયું ભરાઈને રેલા ઉતર્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જ્યારે પોલીસને આ બનાવની જાણ થવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.