લાલપુર તાલુકાના કાનાલુસ નજીક કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત: કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત
લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા એકને અમદાવાદ અને બીજાને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, કાનાલુસ ગામમાં રહેતા મજબુતસિંહ રણજીતસિંહ જાડેજા અને હસમુખભાઇ રવજીભાઇ સોલંકી ગત રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી પડાણા નોકરીએ જઇ રહ્યા હતા.
જે દરમિયાન કાનાલુસ ફાટકથી આગળ પહોંચતા સામેથી આવતી ઇકો સ્પોટ રજી. નં. જીજે-૧૨ સીજી-૨૩૮૯ ના ચાલકે ફુલ સ્પીડમાં ચલાવી મોટર સાયકલને ઠોકર મારતાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જયારે કારે મોટર સાયકલને ઠોકર મારી પુલીયાની દિવાલ સાથે અથડાતાં કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.
આ ઉપરાંત મોટર સાયકલ સવાર મજબુતસિંહ રણજીતસિંહ તેમજ હસમુખભાઇને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મજબુતસિંહને રાજકોટ અને હસમુખભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવ અંગે મજબુતસિંહના કાકા દિનેશસિંહ જાડેજાએ મેઘપર પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.