વઢવાણ-કોઠારીયા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત
- અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટયો
- બાઈકચાલકે અજાણ્યા કારચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગર : વઢવાણ-કોઠારીયા હાઈવે પર ગત ડિસેમ્બર મહિનામાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ચાલક સહિત બે શખ્સને ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત બાદ નાસી છુટયો હતો. જે અંગે બાઈક ચાલકે વઢવાણ પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વઢવાણ સુડવેલ સોસાયટી મફતીયાપરા વિસ્તારમાં રહેતા અબ્દુલશા શુભરાતીનશા દિવાન અને મિત્રનો દિકરો મોઈન ખાન ગત તા.૦૧ ડિસેમ્બરના રોજ સુડવેલ સોસાયટીમાંથી ગેબનશાપીર સર્કલ તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન હાઈવે પર બાઈકના શો-રૂમ પાસે પહોંચતા પાછળથી આવતી એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી બાઈકને અડફેટે લેતા ફરિયાદીના હાથે અને પગે ફ્રેકચર થયું હતું. જ્યારે મોઈન ખાનને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક નાસી છુટયો હતો. જે અંગે ભોગ બનનાર બાઈકચાલકે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.