જામજોધપુર નજીક હોન્ડા સિટી કાર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
Jamnagar Accident : જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે, જયારે તેની સાથે બેઠેલા અન્ય એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મુળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામનો વતની નરેશ બાબુભાઈ સોલંકી નામનો 30 વર્ષનો યુવાન પોતાની બોલેરો પીકપ વેનમાં મગફળી ભરીને જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યો હતો. જે દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે સામેથી આવી રહેલી જી જે. 03 સી.એ. 2386 નંબરની હોન્ડા સિટી કારના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલક સુનિલભાઈ કાંતિલાલ મકવાણાને ઈજા થઈ હતી, જ્યારે તેની સાથે બાજુની સીટમાં બેઠેલા કમલકુમાર ઘનશ્યામભાઈ નામના અન્ય એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ અકસ્માતના બનાવની જાણ થતા જામજોધપુર પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.