રંઘોળા ચોકડી પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1 નું મોત
- ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- જામજોધપુરથી ભાવનગર આવી રહેલા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું
રંઘોળા : રંઘોળા ચોકડી પાસે આજે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જામજોધપુરથી ભાવનગર તરફ આવી રહેલા ટ્રક ચાલકનું મોત થયું છે. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા રાજુભાઈ નારણભાઈ પાંડાવદરાએ ઉમરાળા પોલીસ મથકમાં જીજે-૦૯-ઝેડ-૨૦૫૯ નંબરના ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટાભાઈ હમીરભાઈ પાંડાવદરા (ઉ.વ.૪૭) જામજોધપુર તાલુકાના પાટણ ગામેથી જીજે-૨૫-યુ-૬૬૧૮ નંબરનો ટ્રક ભરીને ભાવનગર તરફ આવી રહ્યાં હતા ત્યારે ગત મોડી રાત્રિના બે કલાકના અરસામાં ધોળા ગામ તરફથી આવી રહેલા ઉક્ત ટ્રકના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમના ભાઈ હમીરભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ઉમરાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.