નિઝામપુરામાં ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં વૃધ્ધનું કરૃણ મોત
પિતાને ઘેર લઇને જતી પુત્રીને ઇજા ઃ દિવસે પણ ભારદારી વાહનો પ્રવેશતા લોકોમાં રોષ
વડોદરા, તા.5 શહેરના નિઝામપુરા મુખ્ય રોડ પર આજે સાંજે પૂરપાટઝડપે ધસી આવેલી એક ટેન્કરે એક સ્કૂટરને ટક્કર મારતાં તેના પર સવાર એક વૃધ્ધનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રીને ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ન્યુ સમારોડ પર આવેલી ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ભટ્ટ (ઉ.વ.૮૦) તેમની પુત્રી અર્પિતા (ઉ.વ.૫૬) સાથે મેડિકલ ચેકઅપ માટે ગયા હતાં. મેડિકલ તપાસ પૂર્ણ કર્યા બાદ બંને સ્કૂટર પર પરત ઘર તરફ જતા હતાં. દરમિયાન નિઝામપુરા મુખ્ય રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે રોડ પર પૂરપાટઝડપે આવતી આઇઓસીની એક ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પિતા અને પુત્રી બંને રોડ પર ફંગોળાયા હતાં.
અકસ્માતના આ બનાવમાં ૮૦ વર્ષના કૃષ્ણકાંત ભટ્ટનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રીને ઇજા થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા રોડ પર ઉમટી પડયા હતાં. પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી. સાંજના સમયે પીકઅવર્સમાં અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. શહેર પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો દિવસના સમયે શહેરના રાજમાર્ગો પર કેમ આવે છે તેવા પ્રશ્નો પણ લોકો કરી રહ્યા છે.