Get The App

માજી સૈનિકોની 5 માંગણીઓનો સ્વીકાર, શહીદના પરિવારને મળશે 1 કરોડનું વળતર

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
માજી સૈનિકોની 5 માંગણીઓનો સ્વીકાર, શહીદના પરિવારને મળશે 1 કરોડનું વળતર 1 - image


- શહીદ જવાનના માતા-પિતા અને બાળકોને માસિક 5 હજાર રૂપિયા મળશે

ગાંધીનગર, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર

રાજ્ય સરકારે 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વીકાર્ય રાખી છે. ઉલ્લેખનીય છે કે, માજી સૈનિકો છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી રહ્યા હતા. આખરે આજે માજી સૈનિકો અને તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર ગાંધી નગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કર્યા હતા ત્યાર બાદ રાજ્ય સરકારે તેમની 5 માંગણીઓ માન્ય રાખી છે. મોટી સંખ્યામાં માજી સૈનિકો આજે હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા. 

5 માંગણીઓનો સ્વીકાર

1. શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી

2. શહીદ જવાનાના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય આપવી

3. શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય આપવી 

4. અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી 

5. અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ. 5 લાખની સહાય આપવી

કમિટિની રચના કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે.  

જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી સહાય વધારાની વિગતો

માજી સૈનિકોની 5 માંગણીઓનો સ્વીકાર, શહીદના પરિવારને મળશે 1 કરોડનું વળતર 2 - image

શું હતી માજી સૈનિકોની પડતર માંગણીઓ?

- શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય

- શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી

- શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન

- ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક

- શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા

- વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ

- માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ

- રહેણાંક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ

- દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ

- કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ

- હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી

- માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ

- સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ

- ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

- સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક

- ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત

- માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો

- માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવી

આ પણ વાંચોઃ માજી સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગરમાં મોટાપાયે આંદોલન કરશે


Google NewsGoogle News