સુરતના તત્કાલીન ટાઉન પ્લાનર કૈલાશ ભોયા સામે વડોદરામાં ભ્રષ્ટાચારનો કેસ, આવક કરતા 56.7 ટકા વધુ સંપત્તિ
Vadodara Corruption Case : સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અંગેનો ગુનો દાખલ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે લાંચ રુશ્વત વિરોધી વડોદરા બ્યુરો દ્વારા તેઓની મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા એસીબી દ્વારા તારીખ 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન કૈલાશ ભોયાની મિલકતના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવીને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો. આમ આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું ફલિત થતાં એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન.પ્રજાપતિએ કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.