Get The App

ગુજરાતનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: પહેલીવાર વહેલી લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો તારીખ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Education department Gandhinagar


Academic Calendar Gujarat: સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને એક મહિના થવા આવનાર છે અને જૂન પણ પુરો થઈ ગયો છે ત્યારે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર-પરીક્ષાની તારીખો જાહેર ન કરાતા સ્કૂલોએ રજૂઆત કરી હતી અને જેને પગલે આજે બોર્ડ દ્વારા આજે 2024-25નું શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામા આવી છે. 

બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે

જે મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે. જ્યારે ધો.9 અને ધો.11માં વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે. મહત્વનું છે કે સરકારે અગાઉ ગુજરાત બોર્ડની સ્કૂલો માટે એપ્રિલથી નવુ સત્ર શરૂ કરવાની જાહેરાતનો ફિયાસ્કો થતા 2025માં પણ અમલ નહીં.

30મી જાન્યુઆરીએ પ્રખરતા શોધ કસોટી લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધો.9થી 12 (તમામ પ્રવાર)માં 14મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે અને જે 23મી ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે પ્રીલિમ-દ્વિતિય પરીક્ષા 20મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે 28 જાન્યુઆરી સુધી ચાલશે. 30મી જાન્યુઆરીએ ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે. 

સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી

ધો.10 એન 12 માટે બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાની સૈદ્ધાંતિક-પ્રાયોગિક પરીક્ષા 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને જે ચોથી ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે ધો.12 સાયન્સમાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા છઠ્ઠી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે ધોરણ ૧૦ અને 12 (તમામ પ્રવાહ)ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. ગત વર્ષે 11મી માર્ચે બોર્ડ પરીક્ષા શરૂ થઈ હતી. 

સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ

દર વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બોર્ડ પરીક્ષા શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં જ બોર્ડ પરીક્ષા શરૂ થઈ જશે. જે 13મી માર્ચ સુધી ચાલશે. ગત વર્ષે 26મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષા ચાલી હતી ત્યારે આ વર્ષે 13 દિવસ વહેલી બોર્ડ પરીક્ષા પુરી થઈ જશે. ધો.9 અને 11માં સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ 7મી એપ્રિલથી શરૂ થશે અને જે 19મી એપ્રિલ સુધી ચાલશે. 

દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ

કેલેન્ડર મુજબ ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી સ્કૂલોમાં પ્રથમ સત્ર 13 જૂનથી ૨૭ ઓક્ટોબર સુધીનું રહેશે. દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે અને જે 17 નવેમ્બર સુધીનું 21 દિવસનું રહેશે. દ્વિતિયસત્ર 18 જાન્યુઆરીથી 4 મે સુધીનું રહેશે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચમી મેથી શરૂ થશે જે 8 જૂન સુધીનું 35 દિવસનું રહેશે. 9 જૂન 2025થી રાબેતા નવા મુજબ વર્ષમાં સિત્ર શરૂ થશે.

આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો

ગુજરાત બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ સ્કૂલોમાં પ્રથમ અને દ્વિતિય સત્ર મળીને કુલ 243 દિવસો શિક્ષણના રહેશે. જેમાં પ્રથમ સત્રમાં જુનમાં 14 દિવસો, જુલાઈમાં 26 દિવસો, ઓગસ્ટમાં 24 દિવસો, સપ્ટેમ્બરમાં 23 દિવસો અને ઓક્ટોબરમાં 21 દિવસો સહિત કુલ 108 દિવસો પ્રથમ સત્રમાં શિક્ષણના રહેશે. બીજા સત્રમાં નવેમ્બરમાં 12 દિવસો, ડિસેમ્બરમાં 25 દિવસો, જાન્યુઆરીમાં 26 દિવસો, ફેબ્રુઆરીમાં 23 દિવસો, માર્ચમાં 24 દિવસો, એપ્રિલમાં 22 દિવસો અને મેમાં 3 દિવસો સહિત 135 દિવસો શિક્ષણના રહેશે. બોર્ડના નિયમ મુજબ છ સ્થાનિક રજાઓ હોય છે જે દરેક જિલ્લામાં સ્થિતિ-પ્રસંગને અનુરૂપ સ્કૂલોમાં અપાય છે અથવા સ્કૂલો લઈ શકે છે. રજાઓના વિવરણ મુજબ દિવાળી વેકેશનની 21, ઉનાળુ વેકેશનની 35 અને જાહેર રજાઓ 18 તથા સ્થાનિક રજાઓ છ સહિત 80 દિવસની રજા રહેશે.

9થી 12માં પરીક્ષા માટેનો અભ્યાસક્રમ આ મુજબ રહેશે

બોર્ડની પરીક્ષાઓ અંગેની સૂચનાઓ મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9થી12માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. 9થી12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની દ્વિતિય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

ગુજરાતનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: પહેલીવાર વહેલી લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો તારીખ 2 - image


Google NewsGoogle News