સુરતમાં ખાનગી શાળામાં એસીમાં બ્લાસ્ટ, ક્લાસરૂમમાં આગ લાગી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
Fire in Surat School: સુરતમાં એક ખાનગી શાળામાં એ.સી.માં બ્લાસ્ટ થયો હોવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. વહેલી સવારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના બની હતી. જેના લીધે સ્કૂલમાં અફરા-તફરી મચી ગઈ હતી. વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. આ ઘટના વખતે સ્કૂલમાં લગભગ 800 જેટલાં વિદ્યાર્થીઓ હાજર હતા.
તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના એસીમાં બ્લાસ્ટ થવાને કારણે બની હતી. જોકે ઘટના બાદ સ્કૂલના વહીવટીતંત્રએ ત્વરિત સજાગતા દાખવતાં બાળકોને રજા આપી દીધી હતી અને ઘરે રવાના કરી દીધા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ હોવાના અહેવાલ હજુ સુધી મળ્યાં નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગને પણ કાબૂમાં લઈ લેવામાં આવી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા પહોંચી નથી, તમામ બાળકો સહી સલામત છે.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટનાની કોલ મળતાં જ અમારી ટીમ સ્કૂલે પહોંચી ગઇ હતી. સ્કૂલની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરતાં ધડાકા સાથે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્કૂલમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.