ગુજરાત યુનિ.માં ફી વધારા મુદ્દે ABVPનું વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓને ઢસેડી અને ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડ્યા
ABVP Protest in Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સની ફીમાં પ્રતિ સેમેસ્ટ 5500 રૂપિયાનો વધારો કરવામાં આવતા એન.એસ.યુ.આઇ. બાદ આજે એ.બી.વી.પી. દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ.બી.વી.પી.ના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી પહોંચી ફી વધારો પરત ખેંચવા બાબતે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કાયકર્તાઓ કુલપતિની ઑફિસે પહોંચતાં પોલીસે તેમને ઢસેડીને અને ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડી દીધા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે વિદ્યાર્થીઓમાં છેલ્લા 2 દિવસથી આક્રોશ જોવા મળી રહ્યો છે. સોમવારે એનએસયુઆઇ બાદ આજે એ.બી.વી.પી. દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કોર્સમાં પ્રતિ સેમેસ્ટર 5500 રૂપિયાનો તોતિંગ ફી વધારો ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓની કમર તોડી નાખે એવો છે. આ ફી વધારાના લીધે આર્થિક રીતે નબળા કેટલાય વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ફી વધારાનો નિર્ણય લેવો જોઈએ. આ મનઘડત નિર્ણય વિદ્યાર્થીઓના વિરુદ્ધ છે.
એ.બી.વી.પી.ના નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. ત્યારે અચાનક યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરવામાં આવતાં વાલીઓની ચિંતા વધી ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ફી વધારાને અસહ્ય ગણી રહ્યા છે. તો યુનિવર્સિટીના સત્તાધીશો આ નિર્ણય અંગે ફરીથી ચર્ચા વિચારણ કરી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લે. જો યુનિવર્સિટી તેમની માંગણી નહીં સ્વીકારે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.