વડોદરામાં ચક્કાજામ: SC-STના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરતા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન
Vadodara ABVP Protest : મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના ગુજરાત સરકારના પરિપત્રને લઈને હોબાળો મચ્યો છે. આજે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પોતાની જ સરકારના આ નિર્ણયની સામે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે સેંકડો વાહન ચાલકો અટવાયા હતા.
એબીવીપીનું કહેવું છે કે, મેનેજમેન્ટ ક્વોટા પરની બેઠકોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ સરકારી બેઠકો પર પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની જેમ સ્કોલરશિપ મળતી હતી પરંતુ વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્કોલરશિપ મળશે તેવી અપેક્ષા રાખીને મેનેજમેન્ટ ક્વોટામાં અનુસૂચિત જનજાતિના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને હવે તેમને સ્કોલરશિપ નહીં આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે આવી બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે.સ્કોલરશિપ નહીં મળે તો તેઓ આગળ અભ્યાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આમ સરકાર 2024-25 વર્ષ માટે સ્કોલરશિપ નહીં આપવાના નિર્ણયને પાછો ખેંચે.
28 ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પણ શરૂ થઈ નથી
સાથે સાથે એબીવીપીએ કહ્યું હતું કે, રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજોમાં ચાલુ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં અધ્યાપકો નહીં હોવાના કારણે આ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. ગત વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશની સમસ્યા ઉભી થઈ હતી. તે વખતે પણ એબીવીપીને આંદોલન કરવું પડયું હતું.
એબીવીપીએ માગ કરી હતી કે, ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ધારાધોરણ પ્રમાણે ભરતી કરવામાં આવે અને આ તમામ કોલેજોને મળતી ગ્રાન્ટમાં સરકાર વધારો કરે તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રવેશ કાર્યવાહી ફરી શરૂ કરે. જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. જો સરકાર આ બંને બાબતો પર ધ્યાન નહીં આપે તો એબીવીપી આનાથી પણ વધારે ઉગ્ર અને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.
દરમિયાન એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવવા માટે કરેલા ચક્કાજામ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. એક તબક્કે એબીવીપીના કાર્યકરોને હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ અને ધક્કામુક્કી પણ થઈ હતી. પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી તે પછી વાહનોની અવર જવર ફરી શરુ થઈ હતી.