જયપ્રકાશ નારાયણને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં કોર્પોરેશનના પદાધિકારીઓની સૂચક ગેરહાજરી
Vadodara : દેશના સ્વતંત્ર સેનાની, મહાન રાજનીતિજ્ઞ અને સિદ્ધાંતવાદી નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતી પ્રસંગે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના હસ્તે રાખવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રસંગે મેયર સહિતના તમામ પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. આખરે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષાના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
દેશના સ્વતંત્ર સેનાની, મહાન રાજનીતિજ્ઞ અને સિદ્ધાંતવાદી નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પ્રતિ વર્ષની જેમ આજે ચકલી સર્કલ સ્થિત તેમની પ્રતિમા ખાતે રાખવામાં આવ્યો હોય છે. આજે તેમની જન્મ જયંતી હોઈ અહીં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મેયર પિન્કીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યો હતો. સવારે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના તમામ પાંચે પદાધિકારીઓની ગેરહાજરી વર્તાઈ હતી. મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછો) અને દંડક શૈલેષ પાટીલની સૂચક ગેરહાજરી રહી હતી. પુષ્પાંજલિ કરવાના નિયત સમયે પાંચ પૈકી એક પણ પદાધિકારી ઉપસ્થિત ન રહેતા આખરે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસના હસ્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, કોર્પોરેટર જાગૃતિ કાકા તથા સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના પદાધિકારીઓ રાત્રિના સમયે વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે તેઓની સૂચક હાજરી જોવા મળી રહી છે પરંતુ દેશના મહાન નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે તેઓ પાસે સમય નથી.