ઉઠમણું કરી ફરાર શુકુલ વેલ્થ ક્રિએટર કું.નો અધ્યક્ષ પત્નીના બર્થડે પર આવતા ઝડપાયો
મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઈટસ સ્થિત ઘરે આવ્યો હતો
અત્યાર સુધીમાં ભોગ બનેલા 46 રોકાણકારો સામે આવ્યા છે : કુલ રૂ.3.74 કરોડ ફસાયા છે : ઈકો સેલે અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી
- મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઈટસ સ્થિત ઘરે આવ્યો હતો
- અત્યાર સુધીમાં ભોગ બનેલા 46 રોકાણકારો સામે આવ્યા છે : કુલ રૂ.3.74 કરોડ ફસાયા છે : ઈકો સેલે અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી
સુરત, : રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી ઉઠમણું કરનાર વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીના અધ્યક્ષની ઈકો સેલે તે પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઈટસ સ્થિત ઘરે આવ્યો હતો ત્યારે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ સવા વર્ષથી ફરાર હતો.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીએ પોતાની મની ફાઉન્ડર સ્કીમમાં રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવી બાદમાં સેબીની રેઈડ પડયા બાદ ઉઠમણું કરતા તાડવાડીની મહિલા, પરિવારજનો અને અન્યોના રૂ.65 લાખ ફસાયાની ફરિયાદ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રદીપ શુકુલ ઉર્ફે મુન્ના શુકુલ, ધનંજય ભીખુભાઈ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપકુમાર મનુભાઈ પટેલ, વિમલ ઈશ્વરભાઈ પંચાલ, મયુર ઘનશ્યામભાઈ નાવડીયા, હેપ્પી કિશોરભાઈ કાનાણી વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જાન્યુઆરી 2023 માં નોંધાઈ હતી.આ ગુનાની તપાસ કરી રહેલા ઈકો સેલે તે પૈકી મહિલા ડાયરેક્ટર હેપ્પી કાનાણી, મયુર નાવડીયા અને વિમલ પંચાલની ધરપકડ કરી હતી.જયારે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ કંપનીના બે ડાયરેક્ટર દેવેશ સુરેન્દ્ર તિવારી અને સંદીપકુમાર મનુભાઈ પટેલની ઈકો સેલે ધરપકડ કરી હતી.
દરમિયાન, ગુનો નોંધાયા બાદ ફરાર શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીનો અધ્યક્ષ પ્રદીપ ઉર્ફે મુન્ના વિદ્યાધર શુકુલ ( ઉ.વ.44, મૂળ રહે.હંડોર ગામ, તા.સગરાસુંદરપુર, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) પાલ ગૌરવપથ રોડ બાગબાન સર્કલ પાસે ગ્રીનસીટી રોડ કિનાર હાઈટસ ફલેટ નં.બી/202 માં હાલ રહેતી પત્ની સોનુનો ગતરોજ બર્થડે હોવાથી તેની ઉજવણી કરવા અને શુભકામના આપવા આવ્યો છે તેવી બાતમી એએસઆઈ સાગર પ્રધાનને મળી હતી.તેના આધારે ઈકો સેલની ટીમ પણ પોતાની ઓળખ નહીં થાય તે માટે હાથમાં ગીફ્ટ લઈને તેના ઘરે પહોંચી હતી.ડોરબેલ વગાડતા પ્રદીપની પત્નીએ દરવાજો ખોલ્યો તે સાથે તેમને શુભકામના પાઠવી ઇકો સેલની ટીમ અંદર ઘુસી ગઈ હતી અને થોડી આનાકાની બાદ પોતાની ઓળખ છતી કરી પ્રદીપને ઝડપી લીધો હતો.પ્રદીપ અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈમાં ફરતો રહેતો હતો અને ગતરોજ પત્નીને શુભકામના પાઠવી અમદાવાદ જવાનો હતો.પરંતુ ટ્રેનની ટિકિટ કન્ફ્રર્મ નહીં થતા તે રોકાયો હતો અને ઝડપાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે શુકલા ગ્રુપ ઓફ કંપનીના માલિક પ્રદીપ શુકલ ઉર્ફે મુન્ના શુકલએ રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરી હતી અને પોલીસે તેની ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી.ઈકો સેલની તપાસમાં અત્યાર સુધીમાં ભોગ બનેલા 46 રોકાણકારો સામે આવ્યા છે અને રોકાણકારોના કુલ રૂ.3.74 કરોડ ફસાયા છે. ઈકો સેલે અગાઉ આ ગુનામાં પાંચ આરોપીની ધરપકડ કરી હતી.