વડોદરામાં ખૂન કેસનો આરોપી પેરોલ પર છૂટી ફરાર, પોલીસને જોઈ મકાનમાંથી કૂદતાં ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપાયો
Vadodara Crime : વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવવામાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા નામચીન આરોપીને પોલીસે ઈજા ગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે.
મંગળ બજારમાં વિસુધા એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે મારામારી, ખંડણી, હત્યાનો પ્રયાસ, હત્યા જેવા 30 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2019 માં જૂની અદાવતને કારણે એક યુવક ઉપર ખૂની હુમલો કરવાના બનાવમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં પેરોલ પર છૂટેલા સમીરને 27 ઓક્ટોબર 2024 ના રોજ હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થતાં પોલીસ તેને શોધી રહી હતી. સમીર તેના મકાને આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી. જે દરમિયાન તે પહેલા માળેથી કૂદીને ભાગવા જતા પગમાં ઈજાઓ પહોંચી હતી અને ભાગી શક્યો ન હતો. પોલીસે તેને ઝડપી પાડી હવાલે કર્યો છે.