છેલ્લાં બે વર્ષમાં સુરત જિલ્લામાં 9,38,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું
- ગોચર જમીનમાં નીલગીરી,સાગ જેવા વૃક્ષોનું વાવેતર: અન્ય જમીનમાં વડ, પીપળા, લીમડા, બોરસલી, ગુલમહોર જેવા વૃક્ષો વનવિભાગે વાવ્યા
(પ્રતિનિધી દ્વારા) સુરત, શનિવાર
પર્યાવરણની જાળવણી અને તેના સંરક્ષણ માટેપ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં પર્યાવરણને લઈને ઘણા ફેરફારો આવ્યા છે. જેને લઇને પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે વન વિભાગ દ્વારા વનના વિસ્તરણ માટે હાલ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાપ્ત ડેટા અનુસાર છેલ્લા બે વર્ષમાં 9,38,000 જેટલા વૃક્ષોનું વાવેતર સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે.
વિકાસની પ્રવૃત્તિઓમાં વૃક્ષો કપાતા ગયા છે અને જંગલો ઓછા થતાં ગયા છે. જેના કારણે પર્યાવરણનું સંતુલન પણ બગડ્યું છે. પરંતુ સુરત વન વિભાગ દ્વારા જિલ્લાને હરિત બનાવવા અને વન પ્રદેશમાં વધારો થાય તેમજ વધુમાં વધુ વૃક્ષોના વાવેતર થકી પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં દર વર્ષે 550થી પણ વધુ હેકટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ જ બે વર્ષ મળીને કુલ જિલ્લા અને સિટીમાં 41,68,૦૦૦ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જેમાં સુરત સિટીમાં મ્યુનિ. કોર્પોરેશન અને સુરત વન વિભાગ દ્વારા સહિયારા પ્રયાસ થકી રોડ સાઈટ પ્લાનટેશન અને વિતરણ કરાયું છે.
આ અંગે સામાજીક વનીકરણ વિભાગ સુરતના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ કહ્યું કે, વર્ષ 2020-21માં 579 હેક્ટરમાં 4,76,૦૦૦ વૃક્ષોનું વાવેતર અને 19,16,૦૦૦ રોપાનું વિતરણ કરાયું છે. જયારે 2020-21માં 568 હેક્ટરમાં 4,62,૦૦૦ વૃક્ષોનું વાવેતર અને 22,52,૦૦૦ રોપાનું વિતરણ કરાયું છે. જેમાં ગોચર જમીનમાં નીલગીરી અને સાગ જેવા વૃક્ષોનું વાવેતર તેમજ અન્ય જમીનમાં વડ, પીપળા, લીમડા, બોરસલી, ગુલમહોર જેવા વૃક્ષો વાવ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ, બારડોલી, માંગરોળ, ઉમરપાડાના વિસ્તારમાં આ વૃક્ષોનું વાવેતર કર્યુ છે.