વડોદરા જિલ્લાનું એક એવું ગામ જ્યાં 85 ટકા ખેડૂતો કરે છે ગુલાબની ખેતી, વર્ષે કરે છે લાખોની કમાણી
Gujarat Agriculture News : વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી અને દેશી ગુલાબ સહિત ફૂલોની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે કે આ તાલુકો ગુલાબની સુગંધિત ખેતીનું કેન્દ્ર બન્યો છે. કરજણ તાલુકામાં મુખ્યત્વે સાયર,મોટી કોરલ, નાની કોરલ, પૂરા, દેરોલી, રણાપૂર, કોઠીયા, મેથી, સીમળી અને દિવેર વગેરે ગામોમાં કાશ્મીરી તથા દેશી ગુલાબની ખેતી થાય છે. જિલ્લામાં 660 હેક્ટરમાં ગુલાબ, જ્યારે 2000 ઉપરાંત હેક્ટરમાં અન્ય ફૂલોની ખેતી, વડોદરાના ગુલાબ દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં વેચાય છે .
તેમાં કરજણ તાલુકાના કોઠીયા ગામના લગભગ 85 ટકા ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. કંચનભાઈ માછી તે પૈકીના એક છે. તેમણે પોતાની ત્રણ વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી શરુ કરી છે. છ વર્ષ પહેલાં તેઓ દેશી ગુલાબની ખેતી કરતા હતા. દરરોજ તેઓ 60 કિલો જેટલા ગુલાબના ફૂલોનું વડોદરામાં વેચાણ કરે છે. તહેવારોમાં ગુલાબ પ્રતિ કિલો રૂ.200 થી 300ના ભાવે વેચાય છે. ગુલાબની ખેતીમાંથી તેઓ વર્ષે અંદાજે રૂ.ચારથી પાંચ લાખની આવક મેળવે છે.
કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે. તેથી ગુલકંદ બનાવવા માટે પણ તેની માંગ રહેતી હોય છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ છે. આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે.મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલથી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલે છે.
વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં 270 હેક્ટરમાં, શિનોરમાં 100 હેક્ટર સહિત જિલ્લામાં કુલ 660 હેક્ટરમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી થાય છે. આ ઉપરાંત જિલ્લામાં 700 હેક્ટરમાં ગલગોટા, 250 હેક્ટરમાં મોગરા, 150 હેક્ટરમાં લીલી અને જાસ્મીન, ગેલાડિયા,ટયુબરોઝની 180 હેક્ટર સહિત જિલ્લામાં કુલ બે હજાર ઉપરાંત હેક્ટરમાં ફૂલોની ખેતી થઈ રહી છે.