'ડ્રગ્સનો દરિયો'... ઉદવાડામાં સમુદ્ર કિનારે મળ્યું આશરે 12 કિલો ચરસ, માછીમારોએ જાણ કરતાં દોડતી થઈ પોલીસ
Pardi Udwada Beach : પારડીના ઉદવાડા દરિયા કિનારેથી આજે (12 ઓગસ્ટ) બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતાં પોલીસને જાણ કરી હતી.
માછીમારી દરમિયાન પેકેટ મળી આવતા પોલીસને જાણ કરાઈ
આજે (12 ઓગસ્ટ) વલસાડના પારડીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ વોલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું. આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરતાં ગામના સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવતાં PI ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં મળી આવેલું પેકેટ બહાર નીકાળ્યું હતું.
પોલીસે FSLથી પેકેટમાંથી મળી આવેલા જથ્થાનું પરિક્ષણ કર્યું
પોલીસે FSLની મદદથી પેકેટમાંથી મળી આવેલા જથ્થાનું પરિક્ષણ કરતાં ચરસનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. માછીમારને મળી આવેલા આ પેકેટ પર ઉર્દુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. ચરસનું પેકેટ દરિયામાંથી કિનારે તણાઇ આવી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.