Get The App

સુરતના આર્ટીસ્ટ અભિષેકે વિદેશમાં ભારતીય શિલ્પકલાની ખુશ્બુ ફેલાવી

Updated: Aug 11th, 2021


Google News
Google News

  સુરતના આર્ટીસ્ટ અભિષેકે વિદેશમાં ભારતીય શિલ્પકલાની ખુશ્બુ ફેલાવી 1 - image

-માસ્ટર્સ માટે ન્યુયોર્કની ઇન્સ્ટીટયુટ દ્વારા 30,000 ડોલરની સ્કોલરશીપ મળી

-40થી વધુ સ્કલ્પચર સાથેના વિદેશમાં છ એક્ઝિબિશન થઇ ગયા

બુધવાર

સા વિદ્યા યા વિમુક્તયે અને કલાને કોઇ સીમાડા નથી નડતા. તમારી પાસેની ધન દૌલત ચોરાઇ શકે છે પણ તમારી આવડત અને કલાને કોઇ ચોરી શકતુ નથી. તમે જ્યાં જાવ એ તમારી સાથે અને તમે એને કેળવો તો ધન સંપત્તી આપોઆપ તમારી પાછળ. ઘાસ માટે કોઇ સ્પેશ્યલ ફળદ્રુપ જમીનની જરૃર નથી હોતી એ ગમે ત્યા ઉગી નીકળે એમ કલાકારની કલા પણ કોઇપણ જગ્યાએ ખીલી ઉઠે છે. સુરતના એક શિલ્પકારની શિલ્પકલા વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શિલ્પકારનાં ઓછા સમયમાં છ જેટલા સોલો એક્ઝીબિશન પણ થઇ ગયા છે.

સુરતના આર્ટીસ્ટ અભિષેકે વિદેશમાં ભારતીય શિલ્પકલાની ખુશ્બુ ફેલાવી 2 - image

સુરતનાં આ શિલ્પકારનું નામ છે, અભિષેક રાજેશભાઇ તુઇવાલા. બાળપણથી જ તેને ચિત્રકામનો શોખ. ધો-૧૨ સાયન્સ સાથે ક્લીયર કર્યુ પણ તેનો ઇન્ટ્રેસ્ટ કળામાં હતો. પપ્પાને કહ્યુ મને એક ચાંસ આપો કઇ ન કરી શકુ તો પછી આપણા બિઝનેસને આગળ વધારીશ. પપ્પા દીકરાની ઇચ્છાને કેમ અવગણી શકે? બાદમાં નર્મદ યુનિવર્સીટીમાં ફાઇન આર્ટમાં એડમીશન લીધુ. એ દરમિયાન એને ખ્યાલ આવ્યો કે તે શિલ્પકલામાં આગળ વધી શકે તેમ છે. કોલેજના ત્રીજા વર્ષમાં જ તેણે યુએસમાં માસ્ટર કોર્સ માટે એપ્લાય કર્યુ હતુ. અને તેને માટે તેને ૩૦,૦૦૦ ડોલરની સ્કોલરશીપ પણ મળી અને ૨૦૧૯માં તેણે ન્યુયોર્કને કળા વિકસાવવાનું નવુ ઘર બનાવ્યુ. આ વચ્ચે તેને થ્રી ડાઇમેન્શનની કામગીરી માટે અલગ અલગ ૮૦૦, ૨૦૦૦ અને ૭૫૦ ડોલરના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા. તેને ઓન કેમ્પસ જોબ પણ મળી જેમા ંતેને તેના જ ફિલ્ડનું કામ હોવાથી કળાનો વધુ વિકાસ થયો. ન્યુયોર્કની ઇન્સ્ટીટયુટમાં તેને સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ સાથે કોન્વેકેશનમાં સ્પીચની પણ તક મળી. માસ્ટર્સના બે વર્ષ બાદ તરત જ તેને કામ મળવાનું શરૃ થયુ હતુ.

સુરતના આર્ટીસ્ટ અભિષેકે વિદેશમાં ભારતીય શિલ્પકલાની ખુશ્બુ ફેલાવી 3 - image

કોરોનાકાળ દરમિયાન તેના વિવિધ સંસ્થાઓ દ્વારા ન્યુયોર્કમાં પાંચ એક્ઝિબિશન અને એક એટલાન્ટામાં એક્ઝિબિશન થયુ. આ ઉપરાંત ભારતમાં પણ મુંબઇ, હેદ્રાબાદ, પંજાબ અને સુરતમાં પણ તેના શો થયા છે. સાઉથ કોરીયામાં પણ હાલમા એક્ઝિબિશન હતુ. અભિષેક તુઇવાલાએ ૪૦ જેટલા સુપર સ્કલ્પચર બનાવ્યા છે. જેને ખરીદવા માટે ભારતના આર્ટ કલેક્ટર પણ ઉત્સાહિત છે. અભિષેકને છ જેટલા ઇન્ટર નેશનલ અને નેશનલ એવોર્ડ મળ્યા છે.  અભિષેક કહે છે કે કળાના ફિલ્ડમાં શરૃઆતના વર્ષોમાં ઘણો સંઘર્ષ છે પણ તમારી મહેનત અને ધીરજ એકદિવસ તેનું મીઠુ ફળ ચોક્કસ આપે જ છે.

સુરતના આર્ટીસ્ટ અભિષેકે વિદેશમાં ભારતીય શિલ્પકલાની ખુશ્બુ ફેલાવી 4 - image

40 કૃતિઓમાં આ ત્રણ કૃતિઓ વધુ ઇન્ટ્રેસ્ટીંગ છે

કલાકારની દરેક કૃતિ પાછળ કોઇના કોઇ કહાની હોય છે. અભિષેકના શિલ્પમાં પણ કહાનીઓનોભંડાર છે. 'ફેન્ટેસી' શિલ્પમાં તેણે માણસની વાણી પર કંટ્રોલ હોવો જોઇએ એવો મેસેજ મુક્યો છે ગળામાં નટ બોલ્ટ ફીટ કરીને કયા સમયે કેવુ અને કેટલુ બોલવુ જોઇએ એ વાતને બોલ્ટના માધ્યમથી રજૂ કરી. બીજુ 'ગોલ્ડ આઇડેન્ટી' જેમાં તેણે પોતાની આઇડેન્ટીની ઓળખ આપી છે. સિગ્નેચર કોપી થઇ શકે પણ અંગુઠાની છાપની કોપી થતી નથી. તેની કોમ્યુનિટીમાંથી સ્કલ્પચરમાં આઇડેન્ટીટી બનાવનાર તે પ્રથમ સ્ટુડન્ટ છે.  ત્રીજુ 'સેલ્ફ પોટ્રેટ ૩.૦' પ્રેગનેન્ટ લેડીનું પેટ અને માથાનાં પાછળનો ભાગ દ્વારા શિલ્પકાર અનુભવ અને અનુમાનની ભેદ રેખા બતાવે છે.  પ્રેગનેન્ટ લેડીનું પેટ જોઇને તેના પેઇનની તકલીફનું અનુમાન થઇ શકે છે પણ એ પેઇનને પાર ભરપુર ખુશી છુપાયેલી છે. કોઇપણ ફિલ્ડમાં શરૃઆતી પેઇન પિરીઅડ પાર કરી જાઓ તો બાદમાં સફળતા ચોક્કસ મળે છે એવો કઇક સંદેશ આ શિલ્પ આપે છે. આ સિવાયના અન્ય શિલ્પમાં પણ અવનવી કહાનીઓ છે.


ઇન્ડિયામાં કળાની પુરેપુરી કદર થાય છે

અભિષેક ન્યુયોર્કની ઇન્સ્ટીટયુટમાં શિલ્પકલામાં અભ્યાસ કરનાર એકમાત્ર ભારતીય સ્ટુડન્ટ હતો. ન્યુયોર્કમાં તેની કળાની ખુબ કદર થઇ રહી છે પણ તેનું માનવુ છે કે ભારતમાં પણ કળાની ખુબ કદર થાય છે. મેં ઇન્ડિયામાં કળા શીખી છે એટલે ઇન્ડિયામાં જ મારી કળાની પ્રશંસા થાય અને મારૃ કામ દેખાય તે માટે આગામી વર્ષોમાં ભારતમાં જ મારી કળાનો ફેલાવો કરવા ઇચ્છુ છું. માતા પિતાને વિનંતીભાવે તેણે કહ્યુ કે બાળકને કોઇપણ કલામાં રસ હોય તો એ દીશામાં તેને જવા દો બાળપણથી જ તેના હાથ ન કાપી નાંખો. આર્ટ ફિલ્ડમાં પણ સારૃ કરીઅર બની શકે છે. ઉલ્ટાની અહીં જલ્દી ઓળખ બને છે અને આર્થિક રીતે પણ સદ્ધરતા પ્રાપ્ત થાય છે.

 

Tags :