વિધવા માતાની જવાબદારી સ્વીકારવા પુત્રોને સંમત કરતી અભયમ હેલ્પ લાઈન
Vadodara : વડોદરા માંજલપુરથી વિધવા માતાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે તેમના ત્રણ દીકરાઓ હોવા છતાંય તેઓની કાળજી રાખતા નથી. જેથી સયાજીગંજ અભયમ ટીમ સ્થળ પર પહોચી દીકરાઓને સમાજિક અને કાનૂની ફરજનું ભાન કરાવી અને નૈતિક ફરજ સમજી માતા-પિતાનું ઋણ અદા કરવા અસરકારક કાઉન્સિલગથી સંમત કર્યાં હતા.
વિધવા માતાએ વેદના સાથે જણાવેલ કે, ત્રણ દીકરાઓને ખુબ પરિશ્રમ કરી ભણાવ્યા, લગ્ન કરી આપ્યા હવે બાકીનું જીવન પરીવાર સાથે શાંતિથી વીતાવીશ. પરંતુ દિકરાઓ વારાફરતી અલગ રહેવા ચાલ્યા ગયાં. છેવટે માતાને ના છૂટકે એકલાં રહેવાનો વારો આવ્યો. દિકરાઓ પ્રાઇવેટ નોકરી કરે છે અને પોતાના પરીવાર સાથે આનંદથી રહે છે. પરંતુ વૃદ્ધ માતાની જવાબદારી સ્વીકારતા નથી. પ્રત્યેક દિકરાઓ માતાને દર મહીને 1000 રૂપિયા આપે છે. ત્રણ હજાર રૂપિયામાં ઘર ખર્ચ અને દવા માટે ઓછા પડતા હોઇ માતાએ વારંવાર દિકરાઓને જણાવેલ પરંતુ તેઓ કોઈ ધ્યાનમાં ના લેતા વિધવા માતાએ પોતાની વ્યથા અભયમને જણાવી હતી.
અભયમ દ્વારા દીકરા, વહુઓનું અસરકારક કાઉન્સિલગ દ્વારા જવાબદારી અને ફરજ વિષે જણાવેલ. વૃદ્ધ માતાને આર્થિક મદદની સાથે સાથે પરીવારનો પ્રેમ અને લાગણીની પણ જરૂર હોય છે. જેથી દિકરાઓ તૈયાર થયેલ કે તેઓ અવારનવાર બાને મળવા જશે અને જરૂરિયાત મુજ્બ રૂપિયા પણ આપશે. આમ અભયમ દ્વારા વિધવા માતાને દિકરાઓ દ્વારા કાળજી લેવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.