ટ્રેનમાંથી બાળકનું અપહરણ, કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષ કેદની સજા ફટકારી
Image envato |
Abduction of child from train: વાપી-ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનના ડબ્બામાંથી માસૂમ બાળકના અપહરણ કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે મહિલા સહિત ત્રણ આરોપીને પાંચ-પાંચ વર્ષની કેદ અને રૂ.એક-એક હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. વર્ષ 2023માં આરોપી ભીખ મંગાવવાના ઇરાદે બાળકનું ટ્રેનના ડબ્બામાંથી અપહરણ કરી ગયા હતા.
પિતાને ઘસઘસાટ ઊંઘ આવીને આરોપીઓ બાળકને ઉપાડી ગયા
કેસની વિગત એવી છે કે, વલસાડ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા નરેશ પટેલ ગત તા.17-10-23ના રોજ બે વર્ષના માસુમ પુત્રને લઈ ટ્રેન મારફતે ઉમરગામ ખાતે રહેતા તેમના માતા-પિતાના ઘરે ગયા હતા. નરેશ ઉમરગામથી પરત વિરાર-વલસાડ પેસેન્જર ટ્રેનમાં પુત્ર સાથે વલસાડ આવવા નીકળ્યા હતા. નરેશને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી અને જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઉદવાડા સ્ટેશન આવ્યું હતું, પરંતુ ત્યારે તેમનો પુત્ર ગાયબ હોવાનું જણાતાં ગભરાઈ ગયા હતા. તે પછી પુત્રની ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન મળતાં આખરે પોલીસને પણ જાણ કરી હતી.
પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
નરેશ પટેલ, પત્ની અને પુત્ર સાથે બીજા દિવસે વાપી જવા વલસાડથી વલસાડ-ઉમરગામ મેમુ ટ્રેનમાં નીકળ્યા હતા. તે દરમિયાન બે મહિલા સહિત ત્રણ શખ્સો સાથે બાળકો ભીખ માંગતા હતા. ત્યારે નરેશની પત્નીએ એક બાળક પોતાનો પુત્ર હોવાનું જણાતા ત્રણેય શખ્સો સાથે વાત કરવા છતાં તેઓ માનતા ન હતા, તેથી તેમણે પોલીસને જાણ કરી હતી. વાપી રેલવે સ્ટેશન પર ટ્રેન થોભ્યા બાદ ત્રણેય શખ્સો બાળકોને લઈ ભાગી ગયા હતા. જો કે પોલીસે પીછો કરી ત્રણેય આરોપી જીગર પાંડુ ભોસલે, શિવાની જીગર ભોસલે અને અંગુરી ગુગીયાને પકડી પાડ્યા હતા. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ અનેક મુદ્દે કરેલી દલીલો બાદ જજ પુષ્પા સૈનીએ આરોપીને તકસીરવાર ઠેરવી પાંચ-પાંચ વર્ષની કેદ અને રૂ.એક-એક હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.