નવશીખીયો વેપારી હીરાબજારમાં ફૂલેકું ફેરવે તે પૂર્વે ડાયમંડ એસો.ના હાથે આબાદ ઝડપાયો
- હીરાબજારમાં અજાણ્યા વેપારીની લેતી-દેતી પર શંકા જતાં ડાયમંડ એસો.એ વૉચ ગોઠવી હતી
- ગુનાહીત ઈતિહાસ ધરાવતાં શખ્સના કહેવાથી ઓફિસ શરૂ કરી મોટા વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવાનો કારસો હોવાની નવશીખીયા વેપારીની કબૂલાત : 4 વિરૂદ્ધ પોલીસને અરજી
સમગ્ર હીરાબજારમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત આપતાં ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું કે, શહેરના મણીરત્ન કોમ્પલેક્ષમાં એક ઓફિસ શરૂ કરી અમિત નામના વેપારીએ છેલ્લાં ૧૫ દિવસથી હીરાની લે-વેચ અને દલાલી શરૂ કરી હતી. સામાન્યતઃ કિસ્સામાં કોઈ વેપારી કે દલાલે હીરાબજારમાં વેપાર કરવો હોય તો ભાવનગર ડાયમંડ એસોસિએશનનું સભ્ય બનવું પડે છે. પરંતુ, આ વેપારી જુનો કે બજારમાં પરિચિત ચહેરો ન હોવાની ડાયમંડ એસો.ને જાણ થતાં તેમણે બજારમાં આવેલાં નવા વેપારીને ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. અને પૂછપરછ કરાતાં તેણે પોતાનું નામ અમિત અને અમદાવાદનો વતની હોવાનું જણાવ્યું હતું. જો કે, વેપારી વર્ગમાંથી તેનાં વેપાર અને નાણાંકીય લેવડ-દેવડ અંગે કોઈ ફરિયાદ ન હોવાથી વિશેષ કાર્યવાહી કરી ન હતી પરંતુ, તેના પર વૉચ શરૂ કરી હતી. અંદાજે બે સપ્તાહ બાદ આજે ફરી તેને ઓફિસે બોલાવાયો હતો અને તેણે હીરાબજારમાં વેપાર કરવો હોય તો તેની ઓળખના પૂરાવા જમા કરાવવા જણાવ્યું હતું.જેમાં આ વેપારીએ જમા કરાવેલાં આધાર કાર્ડમાં તે મધ્યપ્રદેશના ઈન્દૌરનો હોવાનું ખુલ્યું હતું. જેથી તેના પરની શંકા પ્રબળ થતાં તેની વિશેષ પૂછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડયો હતો અને દિપેશ નામના શખ્સના કહેવાથી તેણે હીરાબજારમાં ઓફિસ શરૂ કરી છે અને હાલ વેપારીઓનો વિશઅવાસ કેળવી રહ્યા હતા.અને ચોક્કસ સમય બાદ મોટી રકમના હીરા લઈ વેપારીઓ સાથે ઠગાઈ કરવાની પેરવી હોવાની કબૂલાત આપી હતી. તેમ ઉક્ત વિગતો આપતાં ડાયમંડ એસો. પ્રમુખે ઉમેર્યું હતું. જયારે, દિપેશ નામચીન અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ હોવાનું પ્રમુખે દાવા સાથે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, બનાવની ગંભીરતાને લઈ અમિત સાથે વેપારી કરનાર વેપારીઓને જાણ કરી તેમની સાથેનો નાણાંકીય વ્યવહાર પૂર્ણ કરવા જાણ કરી છે. જયારે, આ મામલે મોડીસાંજે પાંચ વેપારીએ તેમની સાથે અલગ-અલગ ચાર શખ્સોએ રૂા.૨.૭૨ લાખનો માલ લઈ નાણાં ન આપી ઠગાઈ આચર્યાની પોલીસને અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.