'ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરો નહીં તો હું દેહ ત્યાગ કરીશ', AAPના નેતાની સરકારને ચિમકી
Eco Sensitive Zone Protest: ગુજરાતમાં ગીર સોમનાથના ઈકો ઝોનની જાહેરાત થતાં જ ખેડૂતો અને વિપક્ષ દ્વારા તેનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવામાં રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ કરશન બાપુએ ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ ન થાય તો દેહત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દેહ ત્યાગની ઉચ્ચારી ચિમકી
ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરતાં ગીરગઢડામાં આમ આદમી પાર્ટી દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરશન બાપુએ ધારધાર ભાષણ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન તેઓએ કહ્યું કે, જો સરકાર ઇકો સેન્સિટિવ ઝોન સંપૂર્ણ રીતે નાબૂદ ન કરે તો હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. જો ઇકો સેન્સિટિવ ઝોનને સંપૂર્ણ રીતે નહીં દફનાવો તો હું દેહ ત્યાગ કરીશ.
આ પણ વાંચોઃ વડોદરામાં ફરી રસ્તા પર મહાકાય મગર આવી ચઢ્યો, ભારે જેહમત બાદ કરાયું રેસ્ક્યુ
ખેડૂતોએ લગાવ્યો આરોપ
ખેડૂતોનો આરોપ છે કે, રાજકીય મોટા માથાને છાવરીને જ્યાં ખનન પ્રવૃત્તિઓ ચાલે છે, તે વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોનની સીમાથી બહાર રાખવામાં આવ્યા છે. માત્ર નાના ખેડૂતોને દબાણમાં લેવામાં આવશે તેવો ખેડૂતોને ડર છે. વન વિભાગનું ઈકો સેન્સિટિવ ઝોન ફાયદાકારક છે એવા કાગળ ગામે-ગામ ખેડૂતોને આપવામાં અવી રહ્યા છે પણ એની વિશ્વસનીયતા કેટલી? કારણકે આ કાગળો પર ન તો વનવિભાગ કે ન તો સરકારના કોઈ અધિકૃત હસ્તાક્ષર છે.
ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી @Gopal_Italia ની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક હોદ્દેદારો દ્વારા 'ઇકોઝોન હટાવો' ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇકોઝોન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ સંમેલનમાં જોડાયા.@PravinRam_ pic.twitter.com/uOtYYuC79N
— AAP Gujarat (@AAPGujarat) October 19, 2024
આ પણ વાંચોઃ ગુજરાતનો 'ઝોળી'દાર વિકાસ: પ્રસૂતાને ઝોળીમાં લઈ જવી પડી હોસ્પિટલ, છોટા ઉદેપુરની બીજી ઘટના
વન વિભાગનું સ્પષ્ટીકરણ
ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધને શાંત કરવા માટે વનવિભાગ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, ઇકો સેન્સિટિવ ઝોનથી કોઈ અડચણ નહીં ઊભી થાય. તે માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં થાય. પ્રવર્તમાન ઈકો સેન્સિટિવ ઝોનમાં 389 ગામો લાગુ છે, પરંતુ હવે નવા જાહેરનામું લાગુ થતાં માત્ર 196 ગામનો જ સમાવેશ થશે, એટલે, નવા ઇકો ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે.