“ખોટી જમીન માપણી રદ કરો” લખેલી ટી શર્ટ પહેરીને આવેલા આપના ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢ્યા
AAP MLA Hemant Khava : જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતના ખેડૂતો ભૂલ ભરેલી જમીન માપણીથી તકલીફ ભોગવી રહ્યા છે. વર્ષ 2016માં 25,000 જેટલી અરજીઓ પહેલા જ થઈ હતી. હાલ છેલ્લા 10 વર્ષમાં 83,000 અરજીઓ સામે માત્ર 13,000 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી આની તપાસ થવી જોઈએ કારણ કે ભાજપના મળતિયાઓને લાભ કરાવવા ઉદ્દેશીને માપણી થઈ છે.
હેમંત ખવાએ જણાવ્યું કે 160 ધારાસભ્યો હોવાના કારણે મને કોઈ નિયમ વગર જ માત્ર ટી શર્ટ કે જેમાં “ખોટી જમીન માપણી રદ કરો” લખેલ હોઈ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ખવાએ વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી કે મારા મત વિસ્તારની વાત કરું તો લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની 4.5 વીઘા જમીન રૅકર્ડ પર ઘટી ગઈ છે. તેઓ છેલ્લા દસ વર્ષથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પણ હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી.
જામનગર જિલ્લાની વાત કરું તો પ્રમોલગેશન બાદ ક્ષતિઓ સુધારવા માટેની છેલ્લા 10 વર્ષમાં કુલ 83467 અરજીઓ ડી. એલ. આર. કચેરીએ જમા થઈ જેમાંથી માત્ર 13500 જેટલી અરજીઓમાં 7-12માં અસર આપવામાં આવી જ્યારે ગામ નકશામાં તો એક પણ અરજીમાં અસર આપવામાં આવી નથી અને જ્યાં સુધી ગામના નકશામાં અસર ના આપે ત્યાં સુધી ભૂલ સુધરી ગઈ તેવું ના કહી શકાય.
આ પણ વાંચો: અમદાવાદ નજીક જાણીતી ફાર્મા કંપનીના વોશરૂમમાં મહિલાનું મોત, ત્રણ કર્મચારીઓ બેભાન
તેમણે જમીન માપણી મુદ્દે ટિપ્પણી કરી કે જમીન માપણીના મુદામાં એક વાત સમજવા જેવી છે કે કોઈ એક ખાનગી એજન્સી દ્વારા ગુજરાતમાં વર્ષ 2009-10માં પ્રમોલગેશન હેઠળ માપણી ચાલુ કરવામાં આવી અને વર્ષ 2014માં એટલે કે માત્ર 4 વર્ષમાં પ્રમોલગેશન પૂરું કરવામાં આવ્યું. જ્યારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે આપણી સરકાર 10 વર્ષથી સુધારે છે અને હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે.