VIDEO: સરકારી સ્ટાફને ભાજપનું આ કામ સોંપવા મુદ્દે બબાલ, AAP કાર્યકરો-પોલીસ વર્ષે ઘર્ષણ
MLA Chaitar Vasava On BJP Member Registration : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યાં છે કે, રાજપીપળાના ટીડીઓએ ભાજપના સભ્ય નોંધણી માટે સરકારી અધિકારીઓને ટાર્ગેટ આપ્યો હતો. તેવામાં રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે AAPના કાર્યકરો સ્થાનિકોના પ્રશ્નોની રજૂઆતને લઈને પહોંચે છે તો ત્યાં પોલીસનો બંદોબસ્ત જોવા મળે છે. આ દરમિયાન ધારાસભ્ય સહિતના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું.
કલેક્ટર કચેરીએ પોલીસ સાથે ઘર્ષણ
રાજપીપળા કલેક્ટર કચેરીમાં કોઈ અંદર ના ઘુસી જાય તે માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતા. જો કે, રજૂઆત કરવા પહોંચેલા સમર્થનો અંદર ઘુસીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસ પર આરોપ લગાવતા વસાવાએ કહ્યું હતું કે, 'પોલીસ દારુ-જુગારના હપ્તા લે છે, બુટલેગરોને લાઈસન્સ આપ્યું છે, હું આગામી દિવસોમાં બધુ ખુલ્લુ પાડીશ.'
આ પણ વાંચો : ગુજરાતને મળી દેશની સૌથી સુરક્ષિત 20 વોલ્વો બસ, એરક્રાફ્ટ-સબમરીન જેવી સુવિધા હોવાનો દાવો
કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું
વસાવાએ કહ્યું કે, 'વટીવટી તંત્ર દ્વારા ભાજપના સદસ્યતા ઝુંબેજ ચલાવવામાં આવી રહી છે. જેમાં અમે 17 લોકોને ઝડપી પાડીને તેમને રોકવામાં પણ આવ્યા છે, પરંતુ દેડીયાપાડાના ટીડીઓ દ્વારા નોંધણી કરાવવામાં આવી રહી છે. જેને લઈને અમે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે આગામી પાંચ દિવસોમાં અધિકારી સામે કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. '
ચૈતર વસાવાએ સરકારને કર્યો સવાલ
શું ભાજપ સરકારી કર્મચારીઓને પૈસા આપે છે? જો સરકારી કર્મચારીઓને આ કામના પૈસા અપાતા હોય તો તેઓ પણ એ કામગીરીમાં જોડાવા તૈયાર હોવાનો ટોણો ચૈતર વસાવાએ માર્યો છે.
આ પણ વાંચો : પુરીમાં જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો ભક્ત, પોલીસે ધરપકડ કરી તો કહી આ વાત
નર્મદા જિલ્લામાં આ સુવિધાનો અભાવ
ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર અને તેનું સર્વર બંધ છે. આયુષ્યમાન કાર્ડ નથી નિકળતા, રાશન કાર્ડ માટેના સર્વર પણ બંધ છે. સરકારી દવાખાનામાં સાધનો નથી. શાળાઓમાં શિક્ષકો નથી. જિલ્લાના યુવાનો પાસે રોજગારી નથી. આ બધી સમસ્યાઓ પર ધ્યાન આપવાના બદલે જિલ્લાના સરકારી કર્મચારીઓ ભાજપની સભ્ય નોંધણીના કામે લાગ્યા હોવાનો આક્ષેપ લાગવ્યો છે.