સુરતમાં પાટીદાર મહિલા PSIના ચોંકાવનારા નિવેદન બાદ ગોપાલ ઈટાલિયાએ પોલીસને દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું
Surat News : ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ થતું હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજ્યમાં જાણે નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતના સરથાણના મહિલા PSIના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. તેવામાં AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરત પોલીસને દારૂના લિસ્ટનો એક પત્ર સોશિયલ મીડિયા માધ્યમ પર શેર કર્યો હતો અને દારૂના વેચાણ સામે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ગોપાલ ઈટાલિયા સુરતમાં દારૂના અડ્ડાનું લિસ્ટ પોલીસમાં આપ્યું
રાજ્યમાં દારૂના વેચાણને લઈને AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે, 'ગુજરાતના અનેક વિસ્તારોમાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂ કોણ અને ક્યાંથી લાવે છે અને કઈ જગ્યાએ રાખે છે તેને લઈને પોલીસ અજાણ હોય તેવું શક્ય નથી. રાજ્યમાં નેતા, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ છે. સરથાણા પોલીસને મદદરૂપ થાય તે માટે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના દારૂના અડ્ડાનું લિસ્ટ મોકલું છું. હું પોલીસમાં હતો ત્યારે દારૂના કેસમાં જથ્થો નીલ બતાવવા સહિતની કળા શીખ્યો હતો. દારૂના અડ્ડા બાબતે સરથાણા પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી મને આશા નથી અને અપેક્ષા પણ રાખતો નથી.'
સુરતના મહિલા PSIએ શું કહ્યું?
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSIએ એક કાર્યક્રમમાં દારૂને લઈને વાત કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. વીડિયોમાં મહિલા PSIએ કહ્યું કે, ' હું તમને સરધાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારું કામ છે કે, સૌથી વધુ નશાની હાલતમાં હોય તેમના કેસ નોંધવા. અમે અમારા ટાર્ગેટ પ્રમાણે જઈએ છીએ. જેમાં દારૂ પીધેલા ઝડપાતા 15 યુવાનોમાંથી 10 પાટેલ સમાજના યુવાનો હોય છે. આ વિચારવાની વાત છે. જ્યારે પીધેલા પકડાયા બાદ છોડવાની ભલામણ કરતા હોય છે. આમ કોઈપણની ભલામણ આવે પરંતુ મારા પટેલ સમાજને તમારે છોડવાના નથી, એક રાત તે લોક-અપમાં રહેશે એટલે ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય.'
સાયબર ફ્રોડના કેસની વાત કરતાં મહિલા PSIએ કહ્યું કે, 'સાયબર ફ્રોડના કેસમાં 50 ટકા પટેલ સમાજ હોય છે. શું કામ ખોટા રસ્તે જાવ છો. પટેલ સમાજે આટલી નામના મેળવી છે, તો શું કામ પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ કહેતા હોય છે કે તમારો સમાજ છે, ત્યારે કેટલી શરમ આવે...'