આપ નેતા દિનેશ કાછડિયાની નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદની માંગ, કહ્યું- 'નહીંતર કોર્ટમાં જઈશ'
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જોકે તે પહેલા જ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માગ કરાઈ છે.
ફોર્મ રદ થયા બાદ સંપર્ક વિહોણા થયેલા નિલેશ કુંભાણી વિરૂદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે. કોંગ્રેસ દ્વારા તેમના ઘર પર જઈને વિરોધ કરાયો હતો. તો આમ આમદી પાર્ટી પણ નિલેશ કુંભાણી વિરૂદ્ધ વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ આજે વરાછા પોલીસ સ્ટેશનમાં નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો હું કોર્ટમાં જઈશ : આપ નેતા દિનેશ કાછડિયા
આપ નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, 'હું સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહું છું. સુરત લોકસભા મતવિસ્તારમાં મતદાતા છું. મારો મતનો અધિકાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીએ છીનવી લીધો છે. જેના કારણે આજે પોલીસ સ્ટેશન પહોંચીને તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા માટેની અપીલ કરી છે. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો હું કોર્ટમાં ફરિયાદ કરીશ. જે ઘટના બની છે તેની ચકાસણી કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર પર પોલીસ ફરિયાદ થઈ શકે છે. આ ષડયંત્રના ભાગરૂપે નિલેશ કુંભાણીએ સમગ્ર બાબતને અંજામ આપ્યો છે. તેમણે 15 કરોડ રૂપિયા લીધા છે એટલું જ નહીં સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં તેને બે બેઠક પર ટિકિટ આપવા માટેની વાત થઈ છે.'
સુરતમાં જે થયું તે કૃત્યમાં નિલેશ કુંભાણી સહભાગી : આપ નેતા ગોપાલ ઈટાલિયા
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ નિલેશ કુંભાણીને આ કૃત્ય માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'સુરતમાં જે થયું તે અન્યાયમાં તે વ્યક્તિ (નિલેશ કુંભાણી) સહભાગી છે. અન્યાયની તપાસ કોણ કરશે? આખું ચિત્ર સામે આવી ગયું છે, ગુનાહિત કૃત્ય થયું છે. ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવવામાં આવી છે. લોકશાહીની મજાક બનાવવામાં આવી છે. ગુજરાતથી ભાજપની હારવાની શરૂઆત થશે. નિલેશ કુંભાણીએ પોલીસ સ્ટેશન અને ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમના ટેકેદારોનું અપહરણ થયું છે. હવે આ ફરિયાદ સાચી છે કે ખોટી તેની તપાસ કોણ કરશે? જો નિલેશ કુંભાણીએ ખોટી ફરિયાદ કરી છે તો તેમના વિરૂદ્ધ પગલા કેમ ના લેવામાં આવ્યા?'
સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત
અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, 'હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.'
અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો
અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપ (BJP)ના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.